Rajkot: ગઈકાલે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે 'પ્રેમનું વાવેતર' નામે ભવ્ય સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ભાજપના યુવા નેતા જયેશ રાદડિયા નામ લીધા વિના પોતાના વિરોધીઓ પર વરસ્યા હતા. જયેશ રાદડિયાએ પોતાના પરિવાર અને સમાજને બદનામ કરતી ટપોરી ટોળકીને ખુલ્લો પડકાર ફેંકીને રાજનીતિના મેદાનમાં ઉતરવાનું આહ્વાન કર્યું હતુ. જે બાદ પાટીદાર સમાજના એક પછી એક આગેવાનો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એવામાં પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ પણ સમાજના આગેવાનો આ મામલે ઉકેલ લાવવાનો પ્રયાસ કરે તેમ જણાવ્યું છે.
PAAS કન્વિનર અને ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, જયેશ રાદડિયાએ અવારનવાર પોતાના વિરોધીઓને લઈને આવું સૂચક નિવેદન આપતા રહ્યા છે. જેની અસર સમાજ પર પણ થતી હોય છે. જે રાદડિયા પરિવારને નડતરરૂપ થતાં હોય કે હેરાનગતિ કરતા કોઈ પણ લોકો હોય, તેમણે સમાજના વચ્ચે યોગ્ય પ્લેટફોર્મ પર આયોજન કરીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ થાય તેવી મારી ઈચ્છા છે.
અગાઉ સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધરાએ જયેશ રાદડિયાના નિવેદનને સમર્થન આપતા જણાવ્યું કે, આજે એક એવી ટોળકી સક્રિય છે, જેને સારું કામ કરવું નથી અને સમાજની આગેવાની લેવી છે. આવા લોકોને હવે સમાજ ઓળખી ચૂક્યો છે અને તેઓ ખુલ્લા પડ્યા છે.
આવી જ રીતે સરદારધામના મહિલા ઉપપ્રમુખ શર્મિલાબેન બામણીયાએ પણ જણાવ્યું કે, જયેશ રાદડિયાએ આ ટપોરી ગેંગ સામે બોલવામાં ખૂબ જ મોડું કરી દીધુ છે. આખો સમાજ આ ટપોરી ટોળકીને ઓળખી ચૂક્યો છે. જેમણે અગાઉ પણ પાટીદાર સમાજના અનેક આગેવાનોને ટાર્ગેટ કર્યા હતા.
બીજી તરફ અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, રાદડિયા પરિવારને આવી ટપોરી ટોળકીઓથી કોઈ ફેર પડવાનો નથી. આ વિસ્તારમાં તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાએ આવા અનેક ટપોરીઓને ભો ભેગા કરી દીધા છે. વિઠ્ઠલભાઈએ સમાજ માટે અને ખેડૂતના મસીહા તરીકે સારા કામ કર્યા છે. આ પરિવારે માત્ર સમાજને જ નહી, ગુજરાતને પણ ઘણું બધું આપ્યું છે. એમને કોઈ પણ તકલીફ હશે, તો અમે સાથે રહેશું તે અમારી જવાબદારી અને કર્તવ્ય બને છે.
