Surat: શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આવેલા ઘરમાં અચાનક આગ લાગી હતી. આ સમયે ઘરમાં રહેલી યુવતી પોતાનો જીવ બચાવવા માટે બહારની તરફ લાગેલા ACના કમ્પ્રેસર પર બેસી ગઈ હતી. બીજી તરફ આગ અંગેની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવતીનું રેસ્ક્યુ કર્યું હતુ.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નાનુપુરા વિસ્તારમાં આવેલ પ્રિયા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આવેલા ઘરમાં આગ લાગી હતી. જેમાં ઘરમાં રહેલા વૉશિંગ મશીનમાં અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખા ઘરમાં પ્રસરી ગઈ હતી. આ સમયે ઘરમાં હાજર 22 વર્ષીય યુવતી પોતાનો જીવ બચાવવા માટે ઘરની પાછળના ભાગે લાગેલા ACના કમ્પ્રેશરમાં બેસી ગઈ હતી.
બીજી તરફ આ બનાવની જાણ થતાં નવસારી બજાર, મુગલીસરા, અડાજણ અને મજૂરાથી ફાયર વિભાગની ટીમ હાઈડ્રોલિક, લેડર TTL મશીન સાથે પહોંચી હતી. જેમણે ઘરમાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો અને ફસાયેલી યુવતીને નીચે ઉતારીને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી.
સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આગના કારણે ઘર વખરી બળીને રાખ થઈ ગઈ છે. આગના પગલે ફ્લેટમાં ધુમાડો વધારો હોવાથી ફાયર બ્રિગેડના જવાનો માસ્ક પહેરીને અંદર પ્રવેશ્યા હતા.
આ અંગે ચીફ ફાયર ઑફિસર બસંત પરીખે જણાવ્યું કે, પ્રિયા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગી હતી. જેમાં એક યુવતી ફ્લેટમાંથી બહાર નીકળવાનો રસ્તો ના મળવાથી ઘરની પાછળના ભાગે આવેલા એસીના કમ્પ્રેશર પર જઈને બેસી ગઈ હતી. ફાયર વિભાગને કૉલ મળતા જ ઘટના સ્થળે પહોંચી હતી અને અમારા જવાનોએ જીવ જોખમમાં મૂકીને આગ પર કાબુ મેળવીને યુવતીનું સલામત રેસ્ક્યુ કર્યું છે.
