Rajkot: "ભાજપમાં ટિકિટ માટે ભલામણ બિલકુલ નહીં ચાલે", સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં જગદીશ વિશ્વકર્માનું કડક વલણ

આ બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 30 Mar 2026 06:25 PM (IST)Updated: Mon, 30 Mar 2026 06:25 PM (IST)
bjp-ticket-allotment-jagdish-vishwakarma-saurashtra-zone-meeting-rajkot
HIGHLIGHTS
  • સૌરાષ્ટ્ર ઝોનની ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ
  • પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું નિવેદન
  • ભાજપમાં ટિકિટ માટે ભલામણ અંગે સ્પષ્ટતા

Jagdish Vishwakarma Rajkot Visit: રાજકોટના કાલાવડ રોડ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર ઝોનની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

ટિકિટની ભલામણ અંગે સ્પષ્ટ સૂચના

આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે, આગામી ચૂંટણીમાં માનીતા ઉમેદવારોને ટિકિટ આપવા માટેની કોઈપણ પ્રકારની ભલામણ ચલાવી લેવામાં નહીં આવે. કોઈપણ સાંસદ, ધારાસભ્ય કે નેતાઓએ પોતાના મનગમતા કે 'તારા-મારા' ઉમેદવારો માટે ટિકિટની ભલામણ કરવી નહીં, કારણ કે આ ચૂંટણી વિધાનસભા કે લોકસભાની નથી પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની છે.

નવો મંત્ર'મારો એ સારો નહીં, સારો તે મારો' 

એક કલાકના ધારદાર અને જુસ્સાદાર પ્રવચનમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કાર્યકરોને માર્ગદર્શન આપવાની સાથે 'પક્ષમાં મારો એ સારો નહિં, પણ સારો તે મારો' નું નવું સૂત્ર આપ્યું હતું. 

પાયાના કાર્યકરો અને મહિલાઓને અગ્રતા

ભાજપમાં વર્ષોથી સંગઠનને મજબૂત કરવા કાળી મજૂરી કરતા અને પાથરણા પાથરવા સહિતના કામો કરતા અદના કાર્યકરોને ટિકિટમાં અગ્રતા આપવામાં આવશે. બુથ લેવલની કામગીરી કરી પક્ષને મજબૂત બનાવનાર કાર્યકરની પસંદગી થશે તો વિશેષ સંતોષ થશે તેમ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું.

આ ઉપરાંત, મહિલા કાર્યકરો માટે ખાસ ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ઘરના કામ પતાવીને પક્ષ માટે મહેનત કરતી અને વર્ષોથી સક્રિય રહેલી મહિલાઓને ઉમેદવાર તરીકે પ્રાધાન્ય આપવામાં આવશે. પક્ષમાં પાંચ 'S' પર કામગીરી કરવામાં આવશે તેવો પણ નિર્દેશ આપ્યો હતો.

naidunia_image

ભલામણ કરનાર નેતાઓનું અલગ લિસ્ટ

જો કોઈ ધારાસભ્ય કે સાંસદ ટિકિટ માટે હઠાગ્રહ રાખશે અથવા સતત દબાણ કરશે, તો તેવા ભલામણ કરાયેલા નામોનું અલગથી જ લિસ્ટ બનાવવા માટે નિરીક્ષકોને કડક સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત, ચૂંટણી સમયે આવતા નનામા પત્રો અંગે સ્પષ્ટતા કરતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, તેઓ કોઈપણ નનામી પત્રિકા વાંચતા નથી અને કાર્યાલયમાં આવતા આવા પત્રો સીધા કચરાપેટીમાં નાખી દેવામાં આવે છે.

કડક નિવેદનથી બેઠકમાં મિશ્ર પ્રતિસાદ

પ્રદેશ અધ્યક્ષના આ મહત્વપૂર્ણ અને કડક નિવેદનથી બેઠકમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ભલામણ કરતા નેતાઓ, સાંસદો અને ધારાસભ્યોમાં નારાજગી અને રોષ જોવા મળ્યો હતો, જ્યારે વર્ષોથી જમીની સ્તરે કામ કરતા નાના કાર્યકરો અને તેમના સમર્થકોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટ, અનિરુદ્ધ દવે અને હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.