Rajkot News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટના રાજકારણમાં ગરમાવો, ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસે કર્યા આકરા પ્રહારો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટમાં ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 30 Mar 2026 03:05 PM (IST)Updated: Mon, 30 Mar 2026 04:21 PM (IST)
rajkot-congress-indravijaysinh-gohil-chargesheet-corruption-allegations-bjp
HIGHLIGHTS
  • લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે નિબંધ સ્પર્ધા અને ડ્રગ્સ ફ્રી કેમ્પસ જેવી ઝુંબેશો પણ હાથ ધરાઈ
  • આગામી ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાને મુખ્ય મુદ્દો બનાવી કોંગ્રેસ આક્રમક મૂડમાં

Rajkot: સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીનો ગરમાવો અત્યારથી જ જોવા મળી રહ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટમાં ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.

કાર્યકારી પ્રમુખે મીડિયા સાથે વાતચીત કરી

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "શહેરના પ્રથમ નાગરિક એવા મેયર નયનાબેન પેઢડીયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના ગેરકાયદે બાંધકામો સામે આવ્યા હોવા છતાં તંત્ર મૌન છે. સામાન્ય જનતાના મકાનો પર બુલડોઝર ફેરવનારી સરકાર પોતાના નેતાઓના દબાણો સામે કોઈ કાર્યવાહી કરતી નથી."

કોંગ્રેસે TRP ગેમઝોનનો મુદ્દો ઉઠાવ્યો

કોંગ્રેસે TRP ગેમ ઝોન અગ્નિકાંડનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, તંત્રની બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ 500 ડિગ્રી તાપમાનમાં જીવ ગુમાવ્યા છે, જેમના પરિવારો આજે પણ ન્યાય માટે વલખાં મારી રહ્યા છે. આ ઉપરાંત ટીપરવાનના કોન્ટ્રાક્ટમાં 1100 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે.

શૈક્ષણિક કેમ્પસની આસપાસ ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાતું હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકાય છે. કમિશન રાજને કારણે સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ ધોવાઈ જાય છે. ફાયર સેફ્ટીના સર્ટિફિકેટ્સ સ્થળ તપાસ વિના જ નાણાંના જોરે આપી દેવામાં આવે છે.

લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા ઝુંબેશ

" રાજકોટને રોમ બનાવવાની વાતો કરાય છે પરંતુ વાસ્તવિકતા અલગ છે. અમે જનતાની અદાલતમાં જઈશું અને વર્ષ 2015માં જે 4 બેઠકોની કમી રહી ગઈ હતી તે પૂર્ણ કરી મનપામાં કોંગ્રેસનું શાસન લાવીશું." રાજકોટમાં સુશાસન લાવવાના હેતુથી કોંગ્રેસની ટીમ હવે 'જનતાના દરબાર'માં જશે. લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે નિબંધ સ્પર્ધા અને ડ્રગ્સ ફ્રી કેમ્પસ જેવી ઝુંબેશો પણ હાથ ધરવામાં આવી છે. આગામી ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાને મુખ્ય મુદ્દો બનાવી કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે.