આટકોટના વેપારીને ઑનલાઈન નકલી IPS અધિકારી ભટકાયો, આર્મીની વસ્તુઓ સસ્તા ભાવે આપવાની લાલચ આપી રૂ. 75 હજારની ઠગાઈ

આટકોટમાં 'ચિરાગ પટેલ IPS' નામની ફેક ફેસબુક આઈડી બનાવી આર્મીનો સામાન સસ્તા ભાવે આપવાની લાલચ આપી બે મિત્રો પાસેથી રૂ. 75,000ની સાયબર ઠગાઈ આચરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 22 Sep 2026 06:05 PM (IST)Updated: Tue, 22 Sep 2026 06:05 PM (IST)
atkot-crime-news-fake-ips-officer-cheats-local-merchant-of-rs-75000-in-army-goods-scam

Atkot Fake IPS Scam: છેલ્લા ઘણાં દિવસથી સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સાયબર ઠગાઈનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચિરાગ પટેલ IPS નામે ફેક ફેસબુક આઈડી બનાવી આર્મીનો સામાન સસ્તા ભાવે વેચવાની લાલચ આપીને ભેજાબાજ ઠગે બે મિત્રો પાસેથી કુલ રૂ. 75,000 પડાવી લઈ છેતરપિંડી આચરી છે.

આટકોટ ખાતે ક્રિષ્ણા હોટલ ધરાવતા અંકીતભાઈ ભૂપતભાઈ પરવાડીયા અને તેમના મિત્ર સુરેશભાઈ વિરજીભાઈ ખોખરીયા આ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે.

ગત તા. 16/09/2026ના રોજ બપોરના સમયે સુરેશભાઈ ખોખરીયા હોટલ પર આવ્યા હતા અને અંકીતભાઈને રૂ. 50,000 ઓનલાઈન ટ્રાન્સફર કરી આપવા જણાવ્યું હતું. અંકીતભાઈએ પોતાના બેંક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટમાંથી ગુગલ-પે મારફતે આપેલ QR કોડ પર રૂ. 50,000 ટ્રાન્સફર કરી આપ્યા હતા. જે બાદ સુરેશભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે અંકીતભાઈને સમગ્ર હકીકત જણાવી હતી.

સુરેશભાઈના ફેસબુક પર ચિરાગ પટેલ IPS નામની આઈડી પરથી મેસેજ આવ્યો હતો, જેમાં આર્મીનો સામાન જેમ કે ફ્રિજ, વોશિંગ મશીન, ડાઇનિંગ ટેબલ, કબાટ અને ઇન્વર્ટર વગેરે સસ્તા ભાવે રૂ. 75,000માં આપવાની વાત કરવામાં આવી હતી. આ લાલચમાં આવીને સુરેશભાઈએ સૌપ્રથમ પોતાના પુત્ર ઉર્વીષના એકાઉન્ટમાંથી રૂ. 25,000 અને બાકીના રૂ. 50,000 અંકીતભાઈ પાસે ટ્રાન્સફર કરાવ્યા હતા.

નાણાં મેળવી લીધા બાદ આરોપીએ સામાન મોકલ્યો ન હતો અને ફોન કે મેસેજનો ઉત્તર આપવાનું બંધ કરી દીધું હતું. છેતરપિંડીનો ભોગ બન્યાનું માલૂમ પડતાં આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.