Raju Karpada Resigns Latest Political Updates: આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડા અને 'આપ'ના નેતાઓ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર તેજ બન્યો છે. તાજેતરમાં પક્ષના નેતા પ્રવીણ રામ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો પર રાજુ કરપડાએ આજે મૌન તોડતા સ્પષ્ટતા કરી છે.
પ્રવીણ રામના આક્ષેપોનું ખંડન
આ પણ વાંચો
આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે એવો દાવો કર્યો હતો કે રાજુ કરપડા જ્યારે જેલમાં હતા, ત્યારે ભાજપ વતી કેટલાક વ્યક્તિઓ અને નેતાઓ તેમની મુલાકાતે ગયા હતા અને ત્યાં જ પક્ષ પલટાનું આયોજન થયું હતું. આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, પક્ષ દ્વારા લોકોમાં ખોટી છબી ઊભી કરવા માટે આવા જૂઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે.
જેલવાસ દરમિયાનની સત્યતા
પોતાના જેલવાસના દિવસોને યાદ કરતા કરપડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, "મારા જેલવાસ દરમિયાન ભાજપનો કોઈ પણ નેતા કે વ્યક્તિ મને મળવા આવ્યો નથી. આ વાત તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલી છે." "જેલમાં મુલાકાત માટે માત્ર મારા પરિવારજનો જ આવતા હતા. જે પક્ષના નેતાઓ આજે આક્ષેપો કરી રહ્યા છે, તેમણે મુશ્કેલ સમયમાં કાયદાકીય મદદ તો દૂર, સાંત્વના આપવાની પણ તસ્દી લીધી નહોતી."
લડત ચાલુ રાખવાનો નિર્ધાર
રાજુ કરપડાએ ઉમેર્યું કે તેઓ ખેડૂતોના પ્રશ્નો માટે જેલમાં ગયા હતા અને જેલનો ડર બતાવીને તેમને નમાવી શકાય તેમ નથી. પક્ષ છોડવાનું કારણ ભાજપનું દબાણ નહીં પરંતુ 'આપ'ના આંતરિક માળખામાં રહેલી ખામીઓ અને નેતાઓનું અસહકારભર્યું વલણ છે. આ નિવેદન બાદ હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વની મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે કરપડાએ સીધી રીતે પક્ષના પાયાના નેતાઓની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે.
રાજુ કરપડાના રાજીનામા મુદ્દે AAP નેતા પ્રવીણ રામનો મોટો ખુલાસો
પ્રવિણ રામે કહ્યું કે, જેલમાં પણ રાજુભાઈ પોતાના બે જૂના કેસોને લઈને ચિંતામાં હતા. રાજુભાઈને એક કેસમાં પાંચ વર્ષની સજા થઈ છે અને બીજો કેસ જજમેન્ટ પર હતો. બીજા કેસમાં તેમના પરિવારના ચારથી પાંચ સભ્યો પણ જોડાયેલા છે. રાજુભાઈને ચિંતા હતી કે બીજા કેસમાં પણ એમને સજા થશે તો તેઓ ચૂંટણી નહીં લડી શકે.
ભાજપે આ બંને જુના કેસોને લઈને રાજુભાઈને દબાવવાનો અને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. આ બંને કેસોમાં જેલમાં ન જવું પડે અને ચૂંટણી લડવા પર કોઈ સમસ્યા ન આવે, તેને ધ્યાનમાં રાખીને રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું છે. જો રાજુભાઈ ભાજપમાં જોડાશે તો સ્પષ્ટ થઈ જશે કે ભાજપના દબાણથી એમણે રાજીનામું આપ્યું છે. મને સમાચાર મળ્યા હતા કે ભાજપ તરફથી લોકો રાજુભાઈને જેલમાં મળવા આવતા હતા. બંને જેલ પ્રશાસન સીસીટીવી ફૂટેજ જાહેર કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
