Rajkot: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે મતદાનના એક દિવસ પૂર્વે આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. જેમાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ AAP સાથે છેડો ફાડ્યો છે.
પરેશ ગોસ્વામીએ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજીને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.આ સાથે જ તેમણે આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, AAPનું લક્ષ્ય માત્ર ગુજરાતમાં સત્તા મેળવવાનું છે, ખેડૂતોનું ભલું કરવાનું નથી. છેલ્લા પાંચ વર્ષમાં આમ આદમી પાર્ટી ખેડૂતો માટે કંઈ પણ કરી શકી નથી.
આ પણ વાંચો
જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો, ત્યારે તેમણે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પાસે રાજ્યના ખેડૂતોને મદદ કરવા માટે અપીલ કરી હતી. જો કે પંજાબની તિજોરીમાંથી ગુજરાતના ખેડૂતો માટે એકપણ રૂપિયો આપવામાં નથી આવ્યો.
બીજી તરફ ગુજરાતમાં ચૂંટણી લડવા માટે સુરત, અમદાવાદ અને રાજકોટમાં હવાલા મારફતે કરોડો રૂપિયા મોકલવામાં આવી રહ્યા છે. આપના કાર્યકર્તાઓને ઉપરથી જ સ્ક્રીપ્ટ લખીને આપી દેવામાં આવતી હતી.
ગુજરાતમાં પુરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ હોવા છતાં ખેડૂતોમાં 'ખાતર નથી મળી રહ્યું' તેવી ખોટી અફવા ફેલાવીને લાઈનો લગાવવામાં આવતી હતી. ખેડૂત હિત માટે જ્યાં નક્કર વિરોધ પ્રદર્શન કરવાની જરૂર હતી, ત્યારે પણ AAP તરફથી પુરતો સપોર્ટ નથી મળ્યો.
વિસાવદરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગોપાલ ઈટાલિયા માત્ર વિરોધ કરવા પુરતા જ કામ કરી રહ્યા છે. જમીની સ્તર પર ખેડૂતો માટે તેમનું કોઈ કામ દેખાતું નથી. આમ આદમી પાર્ટી સાથે તમામ રાજકીય સબંધો તોડી નાંખવાની જાહેરાત કરનાર પરેશ ગોસ્વામી હવે ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.
