હવે અમેરિકા જવાનું સપનું રોળાશે! ટ્રમ્પ સરકાર H-1B વિઝાના નિયમો વધુ કડક કરવાની તૈયારીમાં, લાખો ભારતીયોની ચિંતા વધી

અમેરિકન નાગરિકોને જ નોકરીમાં પ્રાથમિક્તા આપવાનો હેતુ. વિઝા ધારકોને પોતાના પરિવારને સાથે લાવવાની મંજૂરી નહીં મળે અને તેમના ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ પણ બંધ થઈ શકે છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 25 Apr 2026 05:10 PM (IST)Updated: Sat, 25 Apr 2026 05:10 PM (IST)
us-h-1b-visa-ban-proposal-2026-big-blow-for-indian-professionals
HIGHLIGHTS
  • 3 વર્ષ સુધી નવા H-1B વિઝા આપવા પર રોક લગાવવાનો પ્રસ્તાવ
  • વાર્ષિક H-1B વિઝાની સંખ્યા ઘટાડીને 25000 કરવાની માંગ

H-1B visa 2026: ભારતમાં સારું ભણી-ગણીને અમેરિકામાં નોકરી કરવા સાથે સ્થાયી થવાનું સપનું જોઈ રહેલા લાખો ભારતીયો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં અમેરિકામાં H-1B વિઝાને લઈને વધુ એકવાર ટ્રમ્પ સરકારનું આકરું વલણ જોવા મળી રહ્યું છે.

રિપબ્લિકન પાર્ટીના સાંસદોના એક ગ્રુપે એક એવું બિલ રજૂ કર્યું છે, જેમાં H-1B વિઝાની પ્રક્રિયામાં મોટા ફેરફાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ત્રણ વર્ષ સુધી નવા વિઝા ઈસ્યૂ કરવા પર રોક લગાવવામાં આવી શકે છે.

નવા પ્રસ્તાવિત કાયદા ‘End H-1B Visa Abuse Act of 2026’ અંતર્ગત H-1B વિઝા ઈસ્યૂ કરવાની પ્રક્રિયાને ત્રણ વર્ષ માટે રોકવાની માંગ કરવામાં આવી છે. આ દરમિયાન સમગ્ર સિસ્ટમની સમીક્ષા કરીને ફેરફાર કરવામાં આવશે. આ પગલાનો મુખ્ય હેતુ અમેરિકી નાગરિકોને જ નોકરીમાં પ્રાથમિક્તા આપવાનો હોવાનું મનાય છે.

વિઝા નિયમ વધારે કડક કરવામાં આવશે

આ બિલમાં અનેક મોટા ફેરફારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. H-1B વિઝાની વાર્ષિક સંખ્યા 65000થી ઘટાડીને 25000 સુધી કરવાની પણ વાત છે. આ સિવાય હવે લૉટરી સિસ્ટમની જગ્યાએ પગાર આધારિત પસંદગી પ્રક્રિયા જ અમલમાં લાવી શકાય છે. જેના માટે બેઝીક સેલેરી વાર્ષિક 2 લાખ ડૉલર સુધી રાખવાનો પ્રસ્તાવ છે. આ સાથે જ કંપનીઓએ પણ સર્ટીફિકેટ આપવું પડશે કે, તેમને યોગ્ય અમેરિકન કર્મચારી નથી મળ્યા અને તાજેતરમાં તેમણે કોઈની છટણી પણ નથી કરી.

વધુમાં પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, H-1B વિઝા ધારક એકથી વધુ નોકરી નહીં કરી શકે. થર્ડ પાર્ટી સ્ટાફિંગ કંપનીઓ થકી નોકરી આપવા પર પણ રોક લગાવવામાં આવી શકે છે. આ સિવાય વિઝા ધારકોને પોતાના પરિવારને સાથે લાવવાની મંજૂરી નહીં મળે અને તેમના માટે ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ પણ બંધ કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, H-1B વિઝાનો સૌથી વધુ ફાયદો ભારતીય પ્રોફેશનલ્સને મળતો આવ્યો છે. ખાસ કરીને ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી (IT) અને એન્જીનિયરિંગ સેક્ટરમાં સૌથી વધુ ભારતીયો આ વિઝા પર અમેરિકા આવે છે. એવામાં આ પ્રસ્તાવિત બિલની સીધી અસર લાખો ભારતીયોના ભવિષ્ય પર પડી શકે છે.

જણાવી દઈએ કે, અમેરિકામાં H-1B લાંબા સમયથી એક ચર્ચાતો મુદ્દો રહ્યો છે. કેટલાક નેતાઓ આ વિઝાને અમેરિકન નોકરીઓ માટે ખતરારૂપ ગણાવી ચૂક્યા છે. જો કે કંપનીઓ તેને સ્કિલ્ડ વર્કર માટે જરૂરી ગણાવતી રહી છે.