Rajkot: રાજકોટ સિવિલમાં ફરી શરમજનક ઘટના, વોર્ડમાં દાખલ દર્દી અર્ધનગ્ન અવસ્થામાં લોબીમાંથી બેભાન હાલતમાં મળ્યો

પગમાં ગંભીર ઈજા હોવા છતાં મનોજ કેવી રીતે લૉબી સુધી પહોંચ્યો? તબીબોએ ‘કળા’ કરી કે નર્સિંગ સ્ટાફે ‘કાલા જાદુ’ કર્યો?

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 20 Nov 2024 05:21 PM (IST)Updated: Wed, 20 Nov 2024 05:21 PM (IST)
rajkot-news-patient-admitted-in-the-ward-found-at-rajkot-civil-hospital-lobby
HIGHLIGHTS
  • રાતે જ દર્દી વોર્ડમાંથી નાસી ગયો હોવા અંગે પોલીસ જાણ કરી હોવાનું રટણ

Rajkot: સિવિલ હોસ્પિટલના સંબંધિત તબીબો કે નર્સિંગ સ્ટાફની વધુ એક ભયંકર બેદરકારીનો શરમજનક કિસ્સો બહાર આવતા ચકચાર મચી છે. જેમાં સર્જરી વોર્ડમાં દાખલ દર્દી સવારે બેભાન હાલતમાં લોબીમાંથી મળી આવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગઇકાલે બપોરના 3-30 વાગ્યે કાલાવડ રોડ પર અવધના ઢાળીયા પાસેની એક ચાની દુકાન પાસેથી મનોજ ઉદ્ધવ નામનો 35 વર્ષનો યુવાન શરીરે મારના નિશાન સાથે ચાલતા ચાલતા પડી ગયા બાદ કોઇની જાણ પરથી બનાવ સ્થળે 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી. સાંજના ચારેક વાગ્યાની આસપાસ આ યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં દાખલ કરાયો હતો.

સર્જરી વોર્ડ નં.2માં દાખલ કરાયેલ મનોજ રાત્રીના 11-30 વાગ્યે સર્જરી વોર્ડમાંથી નાસી ગયાની હોસ્પિટલ દ્વારા પોલીસ ચોકીમાં એન્ટ્રી કરાવાઇ હતી. જો કે આ દર્દી મનોજ સવારે સિવિલનાં જૂના વોર્ડ 10ના રસોડા પાસે બેભાન હાલતમાં ધ્રુજતો જોવા મળ્યાની સૌ પ્રથમ સંજયભાઇ નામના પટ્ટાવાળાએ હેલ્પડેસ્કને જાણ કરી હતી.

આ બનાવની જાણ પરથી હેલ્પડેસ્કના સ્ટાફે સ્ટ્રેચર મારફત અર્ધનગ્ન હાલતમાં બનિયાન પહેરેલી હાલતમાં મનોજને ફરી દાખલ કરાયો હતો અને આ બાબતે મમતાબેન નામના પટ્ટાવાળાએ પણ સંબંધિત મેડિકલ ઓફિસર ડો.વિવેકભાઇને દર્દી અંગેની જાણકારી આપી હતી.

ભેદભરમમાં ઝાળા ત્યારે સર્જાયા કે તા.19ના રોજ સર્જરી વોર્ડમાં દાખલ કરાયેલ અને પગમાં ગંભીર ઇજાથી ચાલી પણ ન શકે તેવી હાલતમાં મનોજ હોવા છતાં તા.20ના રોજ સવારે તે કણસતી હાલતમાં રસોડા નજીકથી અર્ધનગ્ન હાલતમાં કેમ મળ્યો? તબીબોએ ‘કળા’ કરી કે નર્સિંગ સ્ટાફે ‘કાલા જાદુ’ કર્યો? તે રામ જાને!!

કોણે આચરી બેદરકારી? સીસી કેમેરાના ફૂટેજ તપાસો
રાત્રીના વોર્ડમાં દાખલ કરાયેલ દર્દી ભાગી ગયાના બહાના વચ્ચે ભેદી સંજોગોમાં વોર્ડ બહાર, લોબીમાંથી મળી આવે તે વાતમાં માત્રને માત્ર સંબંધીત સ્ટાફની બેદરકારી હોય તો જ શકય બને તેવુન જાણકારોનું કહેવું છે. આ વાતમાં દુધનું દુધ અને પાણીનું પાણી કરવા તા.19 થી 20 સુધી મનોજને દાખલ કરાયો ત્યારથી અને બહારથી મળ્યો ત્યાં સુધીના CCTV ફુટેજ તપાસાય તો સત્ય બહાર આવ્યા વગર નહીં રહે તેવું જાણકારોનું માનવું છે.

અગાઉ વૃદ્ધા વોર્ડમાંથી છેક પીએમ રૂમ પાસેથી મળ્યા’તા
થોડા મહીના પહેલા પણ સિવિલમાં આળસુ તબીબોનો ભોગ એક વૃદ્ધા બન્યા હતા. પગની બિમારી સબબ દાખલ થયેલા વૃધ્ધા સવારે છેક પીએમ રૂમ પાસેથી કણસતા મળ્યા હતા, ત્યારે પણ સંબંધીત ડોકટરોએ તપાસ કરવાની કેસેટ વગાડી હતી પણ બેદરકારીનું કોઇ પરિણામ આવ્યું ન હતું અને સમય જતા વૃદ્ધા મોતને ભેટયા હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે, તગડા પગાર વસૂલતા તબીબો સમયાંતરે બેદરકારી દાખવવામાં પણ ભારે પાવરઘા હોવાના આક્ષેપો થયા છે.