Rajkot: પિઝાના રુ.50 હજારની ઉઘરાણી માટે કેટરર્સના ધંધાર્થીઓ વચ્ચે ધિંગાણું, લાકડી-ધોકા લઈને એકબીજા પર તૂટી પડતા યુવક ઈજાગ્રસ્ત

બન્ને પક્ષોએ સામ-સામે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસનો ધમધમાટ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 20 Nov 2024 05:08 PM (IST)Updated: Wed, 20 Nov 2024 05:08 PM (IST)
rajkot-group-clash-between-caterers-for-pizza-recovery
HIGHLIGHTS
  • મોડી રાતે મોમાઈ ચોકમાં જાહેરમાં મારામારી થતાં નાસભાગ

Rajkot: રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ આવારા તત્વો બેફામ બની રહયા હોવાની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવી રહી છે. એવામાં રાજકોટમાં કેટરર્સના ધંધાર્થીએ અન્ય કેટરર્સના ધંધાર્થીને પિઝાનો ઓર્ડર આપ્યો હતો. જે પિઝાના 50 હજાર માટે 40 ફૂટ રોડ પર મોમાઇ ચોક ખાતે કેટરર્સના ધંધાર્થીઓ વચ્ચે ધીંગાણુ થયુ હતુ. જેમાં એક યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. રાત્રીના મારામારી કરનાર બંને પક્ષે સામસામી ફરીયાદ નોંધાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, 40 ફૂટ રોડ પર આવેલા ઓમનગરમાં રહેતો અને કેટરર્સનો વ્યવસાય કરતો વિશાલ ભરતભાઇ મારડીયા (ઉ.વ. 32) રાત્રીના દશેક વાગ્યાના અરસામાં 40 ફૂટ રોડ પર આવેલા મોમાઇ ચોકમાં પોતાની શ્રી ગોપાલ કેટરર્સ નામની ઓફિસે હતો. આ સમયે વાલાભાઇ ડાંગર સહિતના 3 અજાણ્યા શખ્સે રીક્ષા લઇને ધસી આવ્યા હતા અને કેટરર્સના ધંધાર્થી કોમલબેનના રૂ. 50 હજારની ઉઘરાણી કરી ધોકા-પાઇપ વડે માર માર્યો હતો.

આ હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ઇજાગ્રસ્ત વિશાલ મારડીયાના પિતા ભરતભાઇ મારડીયાએ હુમલાખોર વાલજીભાઇ સુખાભાઇ ડાંગર સહીતના શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોતાની ફરિયાદમાં તેઓએ જણાવ્યુ કે, તેમણે કેટરર્સના ધંધાર્થી કોમલબેન વનરાજભાઇ ચાવડાને પિઝા બનાવવાનુ કામ આપ્યુ હતુ. જે કેટરર્સના રૂ. 50 હજારની ઉઘરાણી માટે કોમલબેનના પાટર્નર વાલાભાઇ આહીર સહિતના લોકોએ હુમલો કર્યો હતો.

જયારે વળતી ફરીયાદમાં ભગવતીપરા વિસ્તારમાં ગાંધી સમૃધ્ધિમાં રહેતા અને કેટરર્સનું કામ કરતા વાલજીભાઇ સુખાભાઇ ડાંગરે વિશાલ ચતુરભાઇ મારડીયા અને ચતુરભાઇ મારડીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, કોમલબેન ચાવડા સાથે વાલજીભાઇ ડાંગરને પાર્ટનરમાં કેટરર્સનો વ્યવસાય છે. વિશાલ મારડીયાના પિતા ભરતભાઇ મારડીયાએ કોમલબેનને પિઝાનો ઓર્ડર આપી કેટરર્સનુ કામ કરાવ્યુ હતુ. જે કેટરર્સના રૂપિયા બાકી રહેલા 50 હજાર આપવા ફોન કરીને બોલાવ્યા બાદ પિતા-પુત્રએ હુમલો કરી પૈસા નથી આપવા તેવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે. બંને પક્ષે નોંધાયેલી ફરીયાદના આધારે તાલુકા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.