અમદાવાદ.
પ્રમુખ સ્વામીના શતાબ્દી મહોત્સવ અંતર્ગત અમદાવાદના ઓગણજમાં 600 એકરમાં ઉભા કરવામાં આવેલા પ્રમુખ સ્વામીનગરમાં આજે 'BAPS નોર્થ અમેરિકા દિન'ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નોર્થ અમેરિકાના બાળ-યુવા સંગીત વૃંદ દ્વારા સત્સંગદીક્ષાના પાઠ અને કિર્તનગાન સાથે સભાનો શુભારંભ થયો હતો. આ સાથે જ નોર્થ અમેરિકા સત્સંગ વિષયક સંઘર્ષો અને પુરુષાર્થની કહાણી દર્શાવતી વીડિયો દર્શાવવામાં આવી હતી.

1991માં પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ન્યૂજર્સી ખાતે યોજાયેલ ‘કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા’ માં સ્વયંસેવકોએ કરેલ પુરુષાર્થની ગાથા વિડિયોના માધ્યમથી દર્શાવવામાં આવી હતી. નોર્થ અમેરિકામાં નિર્માણ પામેલા અભૂતપૂર્વ BAPS મંદિરોની અભૂતપૂર્વ સૃષ્ટિ, મંદિરોના પ્રભાવ, બાળકો-યુવાનોના જીવનમાં મંદિરોના પ્રભાવ વિષયક વિડિયો ઝલક પ્રસ્તુત કરવામાં આવી હતી.
રૉબિન્સવિલ, ન્યૂજર્સીમાં નિર્માણાધીન ઐતિહાસિક અક્ષરધામ મહામંદિરની નિર્માણ યાત્રાને દર્શાવતી વિડિયો ઝલક પ્રસ્તુત કરવામાં આવી હતી.
પ્રમુખસ્વામી મહારાજના અમેરિકા વિચરણની ઝાંખી પર એક નજર
પ્રમુખસ્વામી મહારાજ 1971માં ગુરુ બન્યા પછી પ્રથમ વિદેશ સત્સંગ પ્રવાસે અમેરિકા 1974માં ગયા હતા, ત્યાં તેઓને ઘણા ‘કી ટુ ધ સિટી’ સન્માનો પણ પ્રાપ્ત થયા .
તા 4 ઓગસ્ટ 1974 ના રોજ યુ.એસ.એના ન્યૂયોર્કમાં પ્રથમ BAPS મંદિરમાં મૂર્તિ પ્રતિસ્થા કરવામાં આવી. જે બાદના વર્ષોમાં તેમણે ઉત્તર અમેરિકામાં 6 શિખરબદ્ધ મંદિરો અને 70 હરિ મંદિરોની રચના કરી. જેમા એટલાન્ટા, બોસ્ટન, શિકાગો, ડલાસ, એડિશન, હ્યુસ્ટન, લોસએન્જેલોસ, ન્યુયોર્ક, ઓરલાન્ડો, રૉબિન્સવિલ, સેન ફ્રાન્સિસ્કો, સેન જોસે, વૉશિંગટોન ડીસી વગરે સ્થળોએ મંદિરો રચીને ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ અસ્મિતાની જ્યોતિ જગાવી છે . તા.22 જુલાઈ 2007 ના રોજ કેનેડાના ટોરોન્ટોમાં શિખરબદ્ધ મંદિરની સ્થાપના કરી સત્સંગમાં એક વિશેષ પુષ્પ ઉમેર્યું.

પ્રમુખસ્વામી મહારાજે 12 જુલાઈ થી 11 ઓગસ્ટ 1991 દરમિયાન અમેરિકાના એડિસનમાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (CFI) ઉત્સવ કર્યો જેમાં લગભગ 10 લાખ ભાવિકોએ લાભ લીધો હતો અને ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની પ્રેરણા પ્રાપ્ત કરી હતી.
તા . 7 જુલાઈ 1998ના રોજ પ્રમુખસ્વામી મહારાજે અમેરિકાના ન્યુયોર્કના લેનોક્સ હિલ હોસ્પિટલમાં હૃદયની બાયપાસ સર્જરી કરાવી હતી. પ્રમુખસ્વામી મહારાજે તા .29 ઓગસ્ટ 2000 નારોજ અમેરિકાના ન્યુયોર્કમાં સંયુક્તરાષ્ટ્રમાં(યુનો) આધ્યાત્મિક નેતાઓની સહસ્ત્રાબ્દી વિશ્વ શાંતિ સમિટમાં સંબોધન કર્યું હતું .વર્ષ 2004 માં અમેરિકન ગવર્નમેન્ટ તરફથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.
પ્રમુખસ્વામી મહારાજે વર્ષ 2011માં ન્યૂજર્સીમાં રોબિન્સવિલમાં સ્વામિનારાયણ અક્ષરધામના શિલાપૂજનનું કાર્ય કરીને એક અભૂતપૂર્વ કાર્યનો પ્રારંભ કર્યો અને તા. 10 ઓગસ્ટ 2014 ના રોજ પ્રમુખ સ્વામી મહારાજે 93 વર્ષની જૈફ વયે અમેરિકામાં પધારી ત્યાં શિખરબદ્ધ BAPS સ્વામિનારાયણ મંદિર, રોબિન્સવિલની મૂર્તિ પ્રતિષ્ઠાવિધિ કરી. જે બાદ 15 ઓગસ્ટ 2014ના રોજ તેઓએ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલ મહામંદિરનો ભૂમિપૂજન સમારોહ કર્યો. આ તેઓનું ધામગમન પૂર્વે અમેરિકામાં કરેલું અંતિમ વિચરણ હતું .

પ્રમુખસ્વામી મહારાજના ધામગમન બાદ મહંતસ્વામી મહારાજે 3 સપ્ટેમ્બર 2017 ના રોજ રૉબિન્સવિલમાં પધારી અક્ષરધામનું સ્થંભપૂજન કર્યું . આ પ્રસંગે તેઓએ વિશેષ આશીર્વાદ આપ્યા હતા કે “આ કાર્ય તો ન ભૂતો ન ભવિષ્યતિ” થયું છે . શ્રીજીમહારાજના વખતથી જ સમર્પણ ભાવના ચાલી આવે છે ,તોજ આ કાર્ય થાય , હાથમાં હાથ મિલાવીને સંપીને કાર્ય કરીએ તો થાય .
પ્રમુખસ્વામી મહારાજ દ્વારા રચેલ આ મંદિરોમાં આજે પણ વિવિધ ઉત્સવો, સત્સંગ સભા , પ્રાર્થનાસભા , દિવાળી-અન્નકૂટ ઉત્સવ, પ્રદર્શનો વગેરે દ્વારા સંપ, સુહદભાવ,એકતાના પાઠ હરિભકતો મેળવી રહ્યા છે. પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ એ ભાવના દ્રઢ થઈ રહી છે .
વિશેષમાં અમેરિકાના દરેક મંદિરો અને સેન્ટરોમાં આ વર્ષે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી . ઉપક્રમે અમેરિકામાં “ CENTURY OF SERVICE” આ પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું .
- અમેરિકા અને કેનેડામાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવતા BAPSનાં 114 મંદિરો
- પ્રમુખસ્વામી મહારાજે 1974માં ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરની કરી હતી પ્રતિષ્ઠા
- પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ ઉપક્રમે 2022માં નોર્થ અમેરિકામાં 10 જેટલી ‘યુનિટી ફોરમ’ દ્વારા 335 કરતાં વધુ મંદિરો અને - ધાર્મિક સંસ્થાઓના 1000 કરતાં વધુ પ્રતિનિધિઓ સાથે BAPSના સંતો દ્વારા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું
- 2022માં રૉબિન્સવિલ(ન્યૂજર્સી) અને ટોરોન્ટોમાં BAPS સ્વામિનારાયણ રિસર્ચ યુનિવર્સિટીની સ્થાપના
- 1988માં કેનેડાની પાર્લમેન્ટમાં પ્રમુખસ્વામી મહારાજનું કરવામાં આવ્યું હતું બહુમાન
- 2000માં ન્યૂયોર્કમાં યુનોમાં યોજાયેલ મિલેનિયમ વર્લ્ડ પીસ સમિટમાં પ્રમુખસ્વામી મહારાજે વિશ્વધર્મ સંવાદિતાની હાકલ કરી હતી
- અમેરિકાની ૧૦૦ ભારતીય સંસ્થાઓ દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યા