Porbandar: કોરોના કાળ બાદ હ્રદય રોગથી મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. નાના બાળકોથી માંડીને યુવાનો અને નખમાં પણ રોગ ના હોય તેવા તંદુરસ્ત લોકો પણ અચાનક ઢળી પડીને મોતને ભેટી રહ્યા છે. એવામાં પોરબંદર જિલ્લાના કુતિયાણામાં પુત્રવધુના શ્રીમંતના પ્રસંગમાં નાગિન ડાન્સ કરી રહેલા સસરાને અચાનક હ્રદયરોગનો હુમલો આવતા તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા. જ્યાં થોડીવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતુ. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે કુતિયાણાના વેપારી એસોસિએશનના સભ્ય અને શહેરના તિરુપતિ કુરિયરના સંચાલક દિનેશ બારોટના ઘરે તેઓની પુત્રવધુના શ્રીમંતનો પ્રસંગ હતો. જે અનુસંધાને દાંડિયા રાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં દિનેશ બારોટ નાગિન ડાન્સ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેઓ છાતીમાં દુ:ખાવો ઉપડ્યા બાદ ઢળી પડ્યા હતા. જ્યાં થોડીવારમાં જ તેઓનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતુ. દિનેશ બારોટના અકાળે અવસાનથી પરિવારનો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, કોવિડ બાદ ગુજરાતમાં હ્રદય સબંધિત બીમારીના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે 20 થી 30 વર્ષની વયજૂથના યુવાનોમાં પણ હ્રદય રોગના હુમલાનું પ્રમાણ અગાઉની સરખામણીએ 20 ટકા જેટલું વધ્યું છે. ઈસ્કેમિક હાર્ટ ડિસીઝના અહેવાલ પ્રમાણે, કોરોના બાદ કાર્ડિયાક અને હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા છે.
જો પોરબંદરની વાત કરવામાં આવે તો ગત 28 ડિસેમ્બરમાં એક જ દિવસમાં હ્દયરોગના હુમલાથી 3 વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જેમાં મહારાષ્ટ્રના ખલાસીને પોરબંદરના મધદરિયે બોટમાં હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારે બીજા બનાવમાં પોરબંદર પ્રવાસ અર્થે આવેલ સુરતનો પાટીલ પરિવાર કમલાબાગ નજીક હોટલમાં રાત રોકાયો હતો. આ દરમિયાન વંદના પાટીલ (50) નામની મહિલાને હાર્ટ એટેક આવ્યો હતો. આ ઉપરાંત પોરબંદરમાં ક્રેન ઉપાડવાનું કામ કરતો જયસિંહ યાદવનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવતા તબીબોએ હાર્ટ એટેકથી મોત થયાનું જાહેર કર્યું હતુ.
