Porbandar Crime News: પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામમાં કુખ્યાત શખ્સોએ શરણાઈ વાદક પ્રૌઢનું અપહરણ કરીને ઢોર માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં શરણાઈ વગાડતી રાખવા માટે પ્રૌઢને ગળે ફાંસો આપીને ખૂનની કોશિશ કરવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પોરબંદરના બોખીરા આવાસ યોજનામાં રહેતા ફિરોઝ રાઠોડ (55) શરણાઈ વગાડવાનું કામ કરે છે. વિસાવાડા ગામમાં રામદેવપીરના મંદિરમાં રામધૂન અને ધ્વજા ચડાવવાનો પ્રસંગ હોવાથી આયોજકોએ ફિરોઝ રાઠોડને શરણાઈ વગાડવા બોલાવ્યા હતા. જ્યાં શરણાઈ વગાડ્યા બાદ સામૈયાનો પ્રસંગ મોડા હોવાથી ફિરોઝ રાઠોડ વિસાવાડા ગામના ચોકમાં પાનના ગલ્લે ગયા હતા.
આજે શરણાઈ નહીં વગાડે, તો તને પતાવી દઈશું કહી વાદકના ગળામાં દોરડું નાંખી દીધું
આ સમયે વિસાવાડા ગામના માથાભારે ખોડા કેશવાલા અને નાગાજણ ઓડેદરા તેમની પાસે આવ્યા હતા અને ફિરોઝ રાઠોડ પાસે શરણાઈ સાંભળવાની જીદ કરી હતી. આથી શરણાઈવાદક તેમને ઓળખતા હોવાથી તેમણે વગાડતા ખોડા અને નાગાજણ બન્ને નાચવા લાગ્યા હતા. જો કે થોડા સમય બાદ સામૈયાનો સમય થતો હોવાથી ફરિયાદીએ જવાનું કહેતા નાગાજણે ગળામાં દોરડું નાંખી દીધુ હતુ અને શરણાઈ નહીં વગાડે તો આજે પતાવી દઈશું, કહેતા તેઓએ શરણાઈ વગાડવાનું શરૂ કર્યું હતુ.
જો કે મોડું થતું હોવાથી ફરિયાદીએ જવાનું કહેતા, બન્ને જણાઈએ તેમનું બાઈક પર અપહરણ કરીને કેનાલના કાંઠે આવેલા જંગલ વિસ્તારમાં લઈ ગયા હતા. જ્યાં શરણાઈવાદકને નીચે ઉતારીને ફરીથી શરણાઈ વગાડવાનું કહ્યું હતુ.
જો શરણાઈ વગાડવાનું બંધ કરે, તો દોરડું ખેંચીને ફાંસો આપવા લાગ્યા હતા. જેના પરિણામે શરણાઈ વાદકને ઉધરસ ઉપડતા તેમણે વગાડવાનું બંધ કરી દેતા બન્ને જણા તેમને મારવા લાગ્યા હતા. આ દરમિયાન નાગાજણે મોં પર મુક્કો મારતા શરણાઈવાદક નીચે પટકાયા હતા અને તેમની દાઢ પણ તૂટી ગઈ હતી. આમ છતાં નાગાજણ હત્યાના ઈરાદે મોટો પથ્થર લઈને મારવા દોડ્યો હતો. જેથી ફરિયાદી ખાડામાં છુપાઈ જતા માંડ-માંડ તેમનો જીવ બચ્યો હતો.
શરણાઈ વાદક નજરે ના ચડતા બન્ને જણા મોટેથી ધમકી આપી હતી કે, જો પોલીસ ફરિયાદ કરવા જઈશ, તો તારા આખા ખાનદાનને પતાવી દઈશું. જે બાદ ફરિયાદી રામદેવપીરના મંદિરે પહોંચીને આયોજકોને આ બાબતે જાણ કરતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આખરે પરિવારે હિંમત આપતા ફિરોઝ રાઠોડે બન્ને ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ અને ખૂનની કોશિશનો ગુનો નોંધીને બન્નેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
