Patan Accident: ચાણસ્મા-હારીજ હાઈવે પર ઈકો અને ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારના ત્રણના મોત

ચાણસ્મા-હારીજ હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો, માતાના મઢથી દર્શન કરીને પરત ફરતા પરિવારનો કાળ સાથે ભેટો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 01 Oct 2024 06:07 PM (IST)Updated: Tue, 01 Oct 2024 06:07 PM (IST)
patan-news-eeco-accident-on-chanasma-harij-highway-3-killed

Patan Accident: ગુજરાતમાં અકસ્માતની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં અનેક નિર્દોષ નાગરિકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે, તો સેંકડો ગંભીર ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. એવામાં પાટણ જિલ્લામાં અકસ્માતનો આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં હારીજ-ચાણસ્મા હાઈવે પર મુસાફરોથી ભરેલી ઈકો કાર ધડાકાભેર ટેન્કરમાં ઘૂસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કાપસી ગામના રાઠોડ પરિવારના બારેક જેટલા સભ્યો ઈકો કારમાં કચ્છમાં આવેલા આશાપુરા માતાના મઢ ખાતે દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ સમયે તેમની કાર ચાણસ્મા-હારીજ હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ઈકો કાર અને ટેન્કર ધડાકાભેર ટકરાયા હતા.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બીજી તરફ અકસ્માતના પગલે ઘટના સ્થળે સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યાંથી ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોને હારીજના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં 2 પુરુષ અને 1 મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જેમની ઓળખ નવલસિંહ રાઠોડ, રવિન્દ્રસિંહ રાઠોડ અને તોરલબા રાઠોડ (તમામ રહે. કાપસો, ઈડર) તરીકે થઈ છે. જ્યારે કારમાં સવાર અન્ય 3 મહિલા, 3 બાળકો અને બે પુરુષો ઈજાગ્રસ્ત થયા છે. જે પૈકી 3 બાળકોની હાલત નાજુક જણાતા તેઓને વધુ સારવાર અર્થે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.