Patan News: પાટણ શહેરને સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં પાટણ નગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ હાથ ધરાયેલા અર્બન એટલાસ સરવેની કામગીરીએ હવે મોટો વેગ પકડ્યો છે. ડ્રોન પ્રોપર્ટી અને પ્રાથમિક તપાસ સરળ રહ્યા બાદ હવે ત્રીજા તબક્કા હેઠળ શહેરમાં વિધિવત્ત રીતે યુટીલીટી સર્વે શરુ કરી દેવામાં આવ્યો છે.
ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર અને ડ્રોનથી સર્વે
એજન્સીના વડા રાહુલ પંચાલ અન તેમની ટીમ દ્વારા આધુનિક ડ્રોન ટેક્નોલોજી અને ગ્રાઉન્ડ પેનટ્રેટિંગ રડારની મદદ લઈને જમીન અંદર આવેલી ભૂગર્ભ સેવાઓનું ડિજિટલ મેપિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે .આ સર્વેમાં ભૂગર્ભ ગટર નેટવર્ક, ગેસ લાઇન, ખાનગી કંપનીઓના ફાઈબર ઓપ્ટિકલ કેબલ, પીવાના પાણીની લાઈન, ગેસ લાઇન, સ્ટ્રીટ લાઇટના થાંભલાઓની ચોક્કસ સ્થિતિને આધારે અર્બન એટલાસ પોર્ટલ પર માસ્ટર ડિજિટલ મેપ તૈયાર કરવામાં આવશે.
ખોદકામ વખતે લાઈનો તૂટવાની સમસ્યાથી મુક્તિ
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરેએ જણાવ્યું કે, આ આધુનિક ટેક્નોલોજીથી નગરપાલિકા વિસ્તારમાં હવે કોઇપણ ખોદકામની મંજૂરી આપતી વખતે સંબંધિત એજન્સીને તે સ્થળે આવેલી ભૂગર્ભ લાઈન અને તેની ચોક્કસ ઊંડાઈનો ડિજિટલ ડેટા આપવામાં આવશે. આનાથી ખોદકામ કરતી વેળાએ જરૂરી સાવચેતી રાખી શકાશે અને લાઇન તૂટવાથી થતું નુકસાનમાં ઘટાડો થશે.
માસ્ટર ડિજિટલ મેપથી નાગરિકોને ફાયદો
આ માસ્ટર મેપથી પાટણના નાગરિકોને સીધો ફાયદો થશે, જેમાં પાણી અને ગટનરના લીકેજ કે બ્લોકેજ રડાર મેપથી તુરંત પકડાશે, જેથી અંધાધૂંધ ખોદકામ વગર જ ત્વરિત સમારકામ શક્ય બનશે, લાઈનનું ચોક્કસ લોકેશન ઉપલબ્ધ હોવાથી એક કામ માટે ખોદકામ કરતી વખતે અન્ય સેવાઓ જેમ કે, ગેસ કે ઇન્ટરનેટ બંધ થવાનો ભય રહેશે નહીં, ઉપરાંત વારંવાર રસ્તા બંધ થવાની કે અંધારપટની ફરિયાદો દૂર થશે તેમજ ઇમરજન્સી સેવાઓનું નેવિગેશન સરળ બનશે.
