Rajkot: બસમાં મુસાફરોને બિસ્કિટ ખવડાવી બેભાન કરી લૂંટી લેનાર ડાકોરનો વેપારી ઝડપાયો, ગુજરાતમાં અલગ-અલગ 9 ચોરીનો ભેદ ઉકેલાયો

બિસ્કિટ ખાધા પછી મુસાફર બે દિવસ બાદ હોસ્પિટલમાં જ ભાનમાં આવતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 01 Oct 2024 05:39 PM (IST)Updated: Tue, 01 Oct 2024 05:39 PM (IST)
rajkot-news-crime-branch-held-bus-passengers-loot-accused-solve-9-cases

Rajkot: સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં બસમાં મુસાફરી કરતા મુસાફરોને બિસ્કિટ ખવડાવી બેભાન બનાવી સોનાના દાગીના લૂંટી લેતા ડાકોરના વેપારીને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. આ સાથે જ પોલીસે રાજકોટ, ઉપલેટા, ભુજ અને સુરતમાં થયેલી 9 જેટલી ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા સાંપડી છે.

હકીકતમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, બસમાં મુસાફરોને બેભાન કરીને ચોરી કરતો ઈસમ સુરત જતી ટ્રાવેલ્સમાં બેઠે છે, જે બસ ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી પસાર થવાની છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બસમાંથી મહેન્દ્રસિંહ ચુડાસમા (45)ને ઝડપી પાડ્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મહેન્દ્રસિંહ મૂળ બરવાળાનો કોલારપુરનો વતની હોવાનું અને હાલમાં ડાકોરના બંસી એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું તેમજ અહીં જ કપડાની દુકાન ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ પોલીસે 9 જેટલા ચોરીના ગુના ઉકેલી નાંક્યા છે. જેમાં રાજકોટના બે બનાવોમાં બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં ગત તા. 15 ઓગસ્ટના રોજ રાજકોટની પંચનાથ સોસાયટીમાં રહેતા રણછોડભાઈ અરજણભાઈ દેસાઈ ગ્રીનલેન્ડ ચોકડીથી સુરત પોતાના મિત્રના ઘરે વાસ્તુમાં જતા હતાં. આ સમયે બસમાં તેમની બાજુમાં બેઠેલા શખ્સે બિસ્કિટ ખવડાવી દાગીના અને રોકડ સહિત રૂા. 1.65 લાખની મત્તા ચોરી લીધી હતી.

બીજી ફરિયાદમાં ગત તા. 9 ડિસેમ્બરના રોજ રાજકોટના ફરસાણના વેપારી વિજયભાઈ કિશોરભાઈ હાંસલિયા સુરતથી રાજકોટ આવ્યા હોય, તેમની બાજુમાં બેઠેલા મુસાફરે તેમને બેભાન કરી રોકડ અને દાગીના સહિત રૂા. 1.70 લાખની મત્તા ચોરી લીધી હતી.

આવો જ એક બનાવ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાયો હતો. જેમાં સુરતના વેપારી હરસુખભાઈ મેઘજીભાઈ સાવલિયા સુરતથી ગઈ તા. 6 સપ્ટેમ્બરના રોજ
પ્રભાત ટ્રાવેલ્સની ઓફિસેથી બસમાં જેતપુર આવવા નીકળ્યા હતા. આ સમયે તેમના બાજુમાં બેઠેલા શખ્સે નાસ્તામાં ઘેની પદાર્થ ખવડાવી બેભાન કરી રોકડ સહિત રૂા. 1.79 લાખની મત્તા ચોરી લીધી હતી. આવા બનાવોમાં સુરતમાં પણ બે ફરિયાદ અને એક ભૂજમાં ફરિયાદ થઈ છે. જ્યારે પૂછપરછમાં વધુ 9 ચોરીની કબુલાત તેણે આપી છે.

બિસ્કિટ ખાધા બાદ બે દિવસે ભાનમાં આવતો
મહેન્દ્રસિંહ ચોરી કરવા માટે પ્રથમ ખાનગી ટ્રાવેલ્સ જ્યાંથી ઉપડતી હોય તેવા બસ સ્ટેન્ડે શિકારની શોધ કરતો અને પરિચય કેળવી ઊંઘની ગોળી ઓગાળી તે બિસ્કીટમાં ભેળવી દેતો. આ ઘેન વાળુ બિસ્કીટ મુસાફરને ખવડાવી દેતો હતો. આ બિસ્કીટ ખાધા બાદ મુસાફર બે દિવસ સુધી ભાનમાં આવતો નહીં અને તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવો પડે તેવી સ્થિતિ પણ ઉભી થતી હતી.

બેભાન બનાવી મુસાફરે પહેરેલા સોનાા દાગીના અને રોકડ રકમ મહેન્દ્રસિંહ ચોરી લેતો હતો. આ મોડેસ ઓપેન્ડી 1997ની સાલમાં તેના મિત્ર નયન પ્રવિણચંદ કનૈયા પાસેથી આ ટેક્નિક શીખી હતી. જેમાં અગાઉ પણ તે વડોદરા રેલવે પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે.