Patan: સમી-રાધનપુર હાઈવે પર ગોઝારો અકસ્માત: એસટી બસ સાથે ધડાકાભેર અથડાયા બાદ બાઈક ભડભડ સળગ્યું, મહિલા સહિત 3ના મોત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 11 Sep 2024 08:28 PM (IST)Updated: Wed, 11 Sep 2024 08:28 PM (IST)
patan-news-bike-caught-fire-after-collied-with-st-bus-on-radhanpur-highway-3-dead

Patan: પાટણ જિલ્લામાંથી પસાર થતાં સમી-રાધનપુર હાઈવે પર છાશવારે અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, જેમાં અનેક નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. એવામાં હાઈવે પર ગોઝારા અકસ્માતનો આવો જ વધુ એક બનાવ બન્યો છે. જેમાં એસટી બસ સાથે ધડાકાભેર અથડાયા બાદ બાઈક ભડભડ સળગી ઉઠ્યું હતુ. આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા એક મહિલા સહિત 3 લોકોના મોત નીપજ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દિયોદરથી વડોદરા જતી એસ.ટી બસ સમી-રાધનપુર હાઈવે પર પસાર થઈ રહી હતી. જ્યારે બાઈક પર બે યુવકો અને એક મહિલા સમીથી કડિયાકામ પતાવીને રાધનપુર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન જલાલાબાદ ગામના પાટિયા નજીક એસ.ટી બસ અને બાઈક ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માત બાદ બાઈક પર જઈ રહેલા ત્રણેય જણાં નીચે પટકાયા હતા. જેમાં ગંભીર ઈજા થવાથી ત્રણેય ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે, બસ સાથે અથડાયા બાદ બાઈકમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે બાઈકસવાર એક મૃતકના વાળ પણ બળી ગયા હતા. બીજી તરફ આ અકસ્માતના પગલે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. જ્યારે જાણ થતાં સમી પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં પોલીસે પંચનામું કરીને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સમી રેફરલ હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ મંજુલાબેન, પ્રવિણભાઈ દેવીપૂજક અને મુકેશ ઠાકોર તરીકે થઈ છે.