Mehsana: મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત ઉમિયા માતાજીના મંદિરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધજામહોત્સવનો આરંભ થયો છે. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન નીતિન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરપુર વખાણ કર્યા હતા.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખૂબ જ લોકપ્રિય છે. તેઓ હંમેશા હસતા જ રહે અને કોઈ દિવસ નારાજ નહીં. કોઈપણ મુખ્યમંત્રીને ગુસ્સે ના કરી શકે. જો કોઈ ભૂપેન્દ્ર પટેલને ગુસ્સે કરે, તો તેમને હું ઈનામ આપીશ. ભૂપેન્દ્ર પટેલમાં જાદુ છે. કોઈ વ્યક્તિ ગમે તેવા ગુસ્સા સાથે આવ્યો હોય, ગમે તેવો નારાજ હોય, પરંતુ મુખ્યમંત્રીને મળે ત્યારે બધા જ ઠંડા થઈને હસતા-હસતા બહાર જાય છે.
તાજેતરમાં જ તબીબોએ સ્ટાઈપેન્ડ માટે હડતાળ પાડી હતી. અગાઉ હું આરોગ્ય મંત્રી હતો એટલે મને તબીબોની હડતાળથી ચિંતા થતી હતી. લાખો દર્દીઓ સારવાર માટે સરકારી દવાખાનામાં આવતા હોય અને આવા સમયે જ તબીબો હડતાળ પાડે તો શું થશે? જો કે મુખ્યમંત્રીએ તમામને બોલાવ્યા અને પછી બધા હસતા-હસતા બહાર નીકળ્યા. મુખ્યમંત્રીએ તબીબોને કહ્યું હતું કે, તમે તમારું કામ કરો અને હું મારું કામ કરું. જે બાદ હડતાળ સમેટાઈ ગઈ. તેમનામાં આજ જાદુ છે.
વધુમાં નીતિન પટેલે જણાવ્યું કે, આપણા હિન્દુ ધર્મમાં ધજાનું ખૂબ જ મહત્ત્વ છે. ભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે ધજા ચડાવતા હોય છે. ઊંઝા સંસ્થા દ્વારા અનેક સામાજિક સેવા કાર્યો કરવામાં આવે છે. ગુજરાત ઉપરાંત હાલ રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ ઉમિયા માતાના મંદિરો બન્યા છે. અમેરિકામાં પણ કરોડો રૂપિયાના ખર્ચે માઁ ઉમિયાના મંદિર બન્યા છે. આ ઉપરાંત અમદાવાદના સોલામાં પણ ઊંઝા જેવું જ ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. આ ધજા મહોત્સવમાં 4 કરોડથી વધુ રૂપિયાનું દાન મળ્યું છે.
