Patan Election News: પાટણ નગરપાલિકાની ચૂંટણીના મતદાનમાં એક તરફ ભારે ઉત્સાહ અને પ્રેરણાદાયક કિસ્સા જોવા મળ્યા છે. તો બીજી તરફ એક અત્યંત હૃદયદ્રાવક ઘટના પણ સામે આવી છે. મતદાન કર્યા બાદ એક 60 વર્ષીય વૃદ્ધા બેભાન થઈ ઢળી પડ્યા હતા. જે બાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
મતદાન કર્યા બાદ 60 વર્ષીય વૃદ્ધાનું મોત
પાટણના માયાનગર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય કમળાબેન (કમુબેન) અનિલભાઈ બી.એમ. હાઈસ્કૂલ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ EVM નું બટન દબાવીને લોકશાહીની ફરજ પૂર્ણ કરી જેવા મતદાન મથકમાંથી બહાર નીકળ્યા કે, તરત જ અચાનક તેમની તબિયત લથડી હતી
જે બાદ કમળાબેન બેભાન થઈને નીચે ઢળી પડ્યા હતા. આ બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક સારવાર અર્થે જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેમનું દુઃખદ અવસાન થયું હતું.
મૃતકના પુત્રએ પણ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે તેમના માતા વોટ આપીને બહાર આવતી વખતે ઢળી પડ્યા હતા. લોકશાહીના પર્વમાં કમળાબેનના આકસ્મિક નિધનથી તેમના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
સવારે વોર્ડ નંબર 2 માં EVM ખોટકાયું
આજે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સવારે 9 વાગ્યાની આસપાસ પાટણના વોર્ડ 2 માં આવેલી નવી નૂતન હાઈસ્કૂલ, ગોળશેરીના મતદાન મથક 2/9 ખાતે મશીન ખોટકાયું હતું. આ EVM ખામીના પગલે પ્રિસાઈડિંગ ઓફિસરે તપાસ કરીને 20 મિનિટ સુધી મતદાન પ્રક્રિયા રોકી દીધી હતી, જેનાથી મતદારોને થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: Gujarat ATS: પાટણના સિદ્ધપુરમાંથી ગુજરાત ATS દ્વારા 2 યુવકોની ધરપકડ, દેશ વિરોધી પ્રવૃત્તિનો આરોપ
ચૂંટણી દરમિયાન પ્રેરણાદાયી ઉદાહરણ
આ ચૂંટણીમાં જાગૃત નાગરિકોના અદભુત દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ખોખરવાડો ભીલ વાસના રાણા તરુણ શંકરલાલ નામના વરરાજાએ વોટનું મહત્વ સમજાવવા માટે લગ્નના ઘોડા પર બેસતા પહેલા પોતાનો કિંમતી મત આપ્યો હતો. યુવાનોની સાથે સાથે વડીલોએ પણ અદમ્ય ઉત્સાહ દર્શાવ્યો હતો. 93 વર્ષીય હીરાબેન પટેલ પોતાની વહુ સાથે લાકડીના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા.
બીજી તરફ 85 વર્ષીય રામજીભાઈ અને હીરાબેન પણ સજોડે મતદાન કરવા આવ્યા હતા. આ ઉપરાંત, આનંદ પ્રકાશ સ્કૂલ ખાતે એક દિવ્યાંગ દંપતીએ સજોડે મતદાન મથકે પહોંચીને પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં પોતાની નાગરિક ફરજ બખૂબી અદા કરી હતી.
