Patan:'જીવનસાથી' એપથી પુરુષોને ફસાવતી હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ; પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા

પાટણ શહેરમાં મેટ્રોમોનિયલ એપના માધ્યમથી પુરુષોને ફસાવીને ખંડણી ઉઘરાવતી ગેંગના 3 સભ્યોને પોલીસે ઝડપી લીધા છે. જાણો સમગ્ર વિગત

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 22 Apr 2026 04:45 PM (IST)Updated: Wed, 22 Apr 2026 04:45 PM (IST)
patan-news-honeytrap-gang-3-members-arrested-jeevansathi-app-extortion

Patan News: પાટણ શહેરમાં મેટ્રોમોનિયલ એપના માધ્યમથી પુરુષોને ફસાવીને ખંડણી ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. પાટણ પોલીસે રણુંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનીટ્રેપના ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. જે મામલે 3 આરોપીઓને ઝડપી લેવાયા છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા માટે ટેક્નિકલ સોર્સ, સીસીટીવી કેમેરા તેમજ બાતમીદારોની મદદ લેવાઈ હતી.

પોલીસને ખાનગી બાતમી મળી

પાટણ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સંખારી ગામની સીમમાં ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓ ફરીયાદી પાસેથી પડાવેલી રકમની વહેંચણી માટે એકઠા થવાના છે. જેને આધારે પોલીસે સ્થળ પર આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસ ત્રણેયની સઘન પૂછપરછ કરતા તેમણે ગુનો કબૂલી લીધો હતો.

પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓ

  • દિનેશ હિરાભાઈ રબારી- રહે લેલાવા, બનાસકાંઠા
  • કરણજી કનુજી ઠાકોર- ખિમિયાણા, પાટણ
  • કાયદાના સંઘર્ષમાં આવેલો બાળ કિશોર

ગેંગની મોડેસ ઓપરેન્ડી

આ ગેંગની એક અલગ જ મોડેસ ઓપરેન્ડી હતી. ગેંગની એક મહિલા સભ્ય જીવનસાથી એપ્લિકેશન પર બનાવટી એકાઉન્ટ બનાવીને લગ્ન કરવા માંગતા પુરુષોને સંપર્ક કરતી હતી. જે બાદ મહિલા અંતરિયાળ વિસ્તારમાં પુરુષને મળવા બોલાવતી હતી. જ્યારે પુરુષ તે જગ્યાએ પહોંચે ત્યારે આરોપીઓ ત્યા આવીને પોતે મહિલાનું ભાઈ હોવાનું જણાવી ઓળખાણ આપતા હતા.

જે બાદ પીડિત પુરુષને ઢોર માર મારીને મોટી રકમની માંગણી કરતા હતા. જો પૈસા ન મળે તો બદનામ કરી નાખવાની ધમકી આપીને પીડિતનું અપહરણ પણ કરી લેતા હતા. જે નાણાં મળી ગયા બાદ તેને છોડી દેતા હતા.

પોલીસે ગેંગના સભ્યોને ઝડપી લીધા

હનીટ્રેપ કરતી ટોળકીના સભ્યોને રણુંજ પોલીસ સ્ટેશનના સબ.ઈન્સ્પેક્ટર જે.ટી ગઢવી અને તેમની ટીમે સફળતાપૂર્વક ઝડપી લીધા હતા. તેમજ આરોપીઓ સામે BNSની કલમ હેઠળ ગુનો નોંધીને વધુની કાર્યવાહી તેજ કરી છે.