Patan News: પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ જતી કારે બાઈકને ટક્કર મારતા બે ખેડૂતોના મોત નીપજ્યા છે. જ્યારે અકસ્માત સર્જ્યા બાદ કારનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકીને ભાગી છૂટતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, બિલિયા ગામમાં રહેતા નવીન પટેલ અને અંબારામ પટેલ બે દિવસ પહેલા કહોડાની સીમમાં આવેલા પોતાના ખેતરે ખેતી કામ માટે ગયા હતા. જ્યાંથી બાઈક પર બન્ને ખેડૂતો પરત ફરી રહ્યા હતા. આ સમયે બિલિયા ગામ નજીક રોડ ક્રોસ કરતી વખતે પાછળથી પુરપાર આવતી ટોયોટા ઈટિયોસ કારના ચાલકે પોતાનું વાહન બેફામ હંકારીને ખેડૂતોના બાઈકને ટક્કર મારી હતી.
કારની ટક્કરથી બાઈક સવાર બન્ને ખેડૂતો ફૂટબોલની માફક હવામાં ફંગોળાઈને 20 ફૂટ દૂર જઈને પટકાયા હતા. આ અકસ્માતમાં બન્ને ખેડૂતોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે સિદ્ધપુરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બન્નેને મહેસાણાની હોસ્પિટલમાં વધુ સઘન સારવાર માટે લઈ જવામાં આવતા હતા, ત્યારે રસ્તામાં અંબારામનું મોત નીપજ્યું હતુ. જ્યારે નવીન પટેલે અકસ્માતના બીજા દિવસે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. હાલ તો સિદ્ધપુર પોલીસે અકસ્માત સર્જીને ભાગી છૂટેલા કારના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતનો ભોગ બનનારા બન્ને ખેડૂતો એક જ ગલીમાં સામ-સામે રહેતા હતા. જે પાકી મૃતક અંબાલાલના પરિવારમાં ત્રણ સંતાનો છે, જે પરિણીત છે. જ્યારે નવીન પટેલના બે સંતાનો પૈકી એક દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે, જ્યારે દીકરો હજુ અપરિણીત છે.
