Jharkhand Student Protest: ઝારખંડના પાટનગર રાંચીમાં ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC), ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (JSSC) સહિત અન્ય ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આંદોલનકારી વિદ્યાર્થીઓ આ સમગ્ર મામલે CBI તપાસની માંગ કરાવવા તેમજ ભરતી પ્રક્રિયામાં સુધારો કરવાની માંગ સાથે ઉપવાસ પર ઉતરી ગયા છે, ત્યારે હવે આ આંદોલનમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ની એન્ટ્રી થઈ છે.
નીટ પેપર લીક મુદ્દે દિલ્હી સ્થિત જંતર-મંતર પર આંદોલન કરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવામાં સફળ રહેલી કોકરોચ જનતા પાર્ટી (CJP)ની એક ટીમ આજે રાંચીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને સમર્થન કરવા પહોંચી હતી.
આ અંગે CJP પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું કે, અમે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને શક્ય તમામ મદદ કરીશું. CJP ઝારખંડના વિદ્યાર્થીઓની સાથે જ છે. મુકલ્લરાઉન્ડર અને અક્ષય શિંદેની અધ્યક્ષતામાં અમારું એક ડેલિગેશન રાંચી આવ્યું છે. જે આંદોલનમાં વિદ્યાર્થીઓનું સમર્થન કરશે.
જ્યારે CJPના નેશનલ કોર્ડિનેટર મુકેશે જણાવ્યું કે, અમે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે જંતર-મંતર પર અમારા આંદોલનનો અનુભવ શેર કરીશું. અમે ભલે સ્ટેજ ઉપરથી સમર્થન ના કરીએ, પરંતુ અમે તેમની સાથે જ ઉભા રહીશું. જ્યાં સુધી વિદ્યાર્થીઓની માંગ પુરી ના થાય, ત્યાં સુધી કોકરોચ જનતા પાર્ટી તેમને પોતાનો ટેકો આપશે.
દેવેન્દ્રનાથ મહતો ભૂખ હડતાળ પર ઉતર્યા
પરીક્ષામાં ગેરરીતિના વિરોધમાં વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતો અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર બેઠા છે. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી ઝારખંડ સરકાર વિદ્યાર્થીઓની માંગ પર યોગ્ય નિર્ણય નહીં લે, ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે.
બીજી તરફ ઝારખંડ સરકારે જણાવ્યું કે, અમે વિદ્યાર્થીઓના આરોપો અંગે તપાસ કરી રહ્યા છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી હેમંત સોરેને રાજ્યપાલ સંતોષકુમાર ગંગવાર સાથે મુલાકાત કરીને આ સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની વાત કરી છે.
