Gandhinagar: લંડન વર્ક પરમિટના ચક્કરમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવકનો આપઘાતનો પ્રયાસ, સ્યુસાઈડ નોટ લખીને વિષપાન કર્યું

ગાંધીનગરમાં લંડન વર્ક પરમિટના નામે છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે વ્યાજના વિષચક્રમાં ફસાઈને આપઘાતનો પ્રયાસ કર્યો. તેણે સ્યુસાઈડ નોટમાં એજન્ટ સહિત ત્રણ લોકોને જવાબદાર ઠેરવ્યા છે અને પોલીસ તપાસ ચાલી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 08 Aug 2026 08:19 PM (IST)Updated: Sat, 08 Aug 2026 08:19 PM (IST)
gandhinagar-news-youth-attempts-suicide-over-rs-24-lakh-visa-fraud
Ambulance_108_4-Sept.jpg

Gandhinagar: ગુજરાતમાં વિદેશ જવાની ઘેલછામાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા એક યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં લંડનના વિઝાની આશામાં દેવામાં ડૂબેલા યુવકે સ્યુસાઈડ નોટ લખીને ઝેરી દવા પી લીધી હતી.


લંડનની વર્ક પરમિટ માટે ઘર ગિરવે મૂકીને 24 લાખથી વધુ રકમ ચૂકવી

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગાંધીનગરના સેક્ટર 24ના હરસિદ્ધનગરમાં પત્ની અને બે સંતાનો સાથે રહેતો રાહુલ નાયી નામનો યુવક હેર સલુન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રાહુલને વિદેશ જવાનું હોવાથી આજથી ત્રણ વર્ષ પહેલા તેણે મેહુલ સોની નામના એજન્ટને લંડનની વર્ક પરમિટ અપાવવા માટે કામ સોંપ્યું હતુ. જેના માટે રાહુલે પોતાનું ઘર ગિરવે મૂકીને રૂ. 24.25 લાખ રૂપિયા મેહુલને ચૂકવ્યા હતા.

જો કે લાંબો સમય થવા છતાં રાહુલને વિઝા ના મળતા તેણે મેહુલ સોની પાસે પૈસા પરત માંગ્યા હતા. જેથી મેહુલે 3.87 લાખ રૂપિયા પરત કરીને બાકીના રૂપિયા આપવા મામલે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. જેના પગલે રાહુલ વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયો હતો અને હપ્તા ભરવા લાગ્યો હતો. આખરે કંટાળીને તેણે રાહુલ નાયીએ 8 ઓગસ્ટે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

રાહુલે અંતિમ પગલું ભરતા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે મેહુલ સોની સહિત ત્રણ જણાના કારણે પોતે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં રાહુલે લછ્યું છે કે,

મારું નામ નાયી રાહુલ બાબુલાલ છે. હું સે.24, હરસિદ્ધનગરમાં રહું છું. મારું સુસાઈડ કરવાનું એકમાત્ર કારણ મેહુલ રાજેશભાઈ સોની, જીનલ પંચાલ અને નિધિ સોની છે. તેમણે મને અને મારા પરિવારને વિદેશ મોકલવાનું કહીને મારી પાસેથી 24.25 લાખ રૂપિયા રોકડા લીધા હતી. જે બાદ તેમણે મને અને મારા પરિવાર સાથે છેતરપિંડી કરીને મારા પૈસા પડાવી લીધા છે.

વારંવાર માંગણી કરવાથી તેમણે મને 3,87,700ની રકમ પરત કરી બાકીના પૈસા ના આપતા તે રકમ ઉપર વ્યાજ ચડતુ જતુ હતુ. મેં આ પૈસા બેંકમાંથી લોન લઈને મેહુલ સોની અને તેની ટીમને રોકડા આપ્યા હતા. જે લોનના હપ્તા હું ભરતો હતો. જો કે હવે હું હપ્તા ભરતા-ભરતા થાકી ગયો છું અને આજે મેં સુસાઈડ કરવાનું પગલું ભર્યું છે. મારું આ પગલું ભરવાનું કારણ મેહુલ સોની, જીનલ પંચાલ અને નિધિ સોની છે.

હાલ તો રાહુલ નાયીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે આ સમગ્ર મામલે ગાંધીનગર સેક્ટર 21 પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.