પાટણમાં આયોડિનયુક્ત મીઠા અંગે આરોગ્ય વિભાગની તપાસ તેજ, રાધનપુરમાં 596 કિગ્રા શંકાસ્પદ મીઠાનો જથ્થો જપ્ત

પાટણ FDCA દ્વારા સાંતલપુર, વારાહી અને રાધનપુરમાં મીઠામાં આયોડિનની ચકાસણી માટે ડ્રાઇવ યોજાઈ. આ ડ્રાઇવ દરમિયાન રાધનપુરમાં 596 કિલો શંકાસ્પદ આયોડિનયુક્ત મીઠું જપ્ત કરી નમૂના લેબોરેટરીમાં મોકલાયા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 26 Aug 2026 04:00 PM (IST)Updated: Wed, 26 Aug 2026 04:00 PM (IST)
iodine-salt-awareness-drive-in-patan-596-kg-suspicious-salt-seized-in-radhanpur

Patan Iodine Salt Drive: 25 ઓગસ્ટ, 2026ના રોજ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA), પાટણ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ (FSW) વાન સાથે સાંતલપુર, વારાહી અને રાધનપુર વિસ્તારમાં બજારમાં મળતા ખાદ્ય મીઠામાં આયોડિનના પ્રમાણની ચકાસણી માટે સઘન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી ફૂડ સેફ્ટી ઓફિસર કુ. એલ. એન. ફોફ અને FSW કેમિસ્ટ દિવ્યાંગ પંડિત દ્વારા કરવામાં આવી હતી.

આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં આયોડિન પોષણના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો અને બજારમાં વેચાતા મીઠામાં આયોડિનનું સ્તર ચકાસવાનો હતો. જ્યાં તપાસ દરમિયાન કુલ 26 કરિયાણાની દુકાનો, હોલસેલરો અને સ્થાનિક રેસ્ટોરન્ટ્સ પર ઉપલબ્ધ મીઠાના નમૂનાઓની સ્પોટ ટેસ્ટિંગ કિટ દ્વારા સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી.

જેમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા, રસોઈના મુખ્ય ઘટક 'મીઠા'ની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ચકાસણી કરવામાં આવી હતી. તમામ વેપારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે માત્ર પ્રમાણિત આયોડિનયુક્ત મીઠાનું જ વપરાશ અને વેચાણ કરવું.

આ તપાસ દરમિયાન શ્રદ્ધા ટ્રેડિંગ કં.(મુ. તા. રાધનપુર, જિ. પાટણ ખાતે હોટલ હિન્દુસ્તાનની સામે, હાઇવે)ના ફૂડ બિઝનેસ ઓપરેટર ઈશ્વરલાલ કરશનલાલ ઠક્કરને ત્યાંથી શંકાસ્પદ મીઠાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી નમૂનો લઈ બાકી રહેલ કુલ 596 કિ.ગ્રા. Refined Free Flow Iodised Salt જેની અંદાજિત કિંમત રૂ. 16,688/- સીઝ કરવામાં આવ્યો છે. જ્યારે નમૂનો નિયમોનુસાર પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે તથા રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.