Zand Hanumanji Darshan: પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભયારણ્યના ગીચ અને હરિયાળા જંગલોની વચ્ચે આવેલા પૌરાણિક ઝંડ ગામે આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવારે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળે વહેલી સવારથી જ 'જય બજરંગબલી'ના નારા સાથે અંદાજે 50,000 જેટલા શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ચોમાસાની ઋતુમાં લીલીછમ ડુંગરમાળાઓ વચ્ચે આવેલું આ ધાર્મિક સ્થળ આસ્થા અને પ્રકૃતિના અદભુત સંગમનું કેન્દ્ર બની ગયું હતું.
ઝંડ ગામે આવેલી હનુમાનજીની 21 ફૂટ ઊંચી પ્રતિમા ભારતભરમાં અત્યંત દુર્લભ અને અદ્વિતીય માનવામાં આવે છે. એક જ વિશાળ રેતાળ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલી આ ભવ્ય મૂર્તિની વિશેષતા એ છે કે તેમાં દાદાના ચરણોમાં શનિની પનોતી દર્શાવવામાં આવી છે.
આસ્થા અને જ્યોતિષીય દ્રષ્ટિએ આ સ્વરૂપના દર્શન કરવાથી શ્રદ્ધાળુઓના તમામ કષ્ટો અને પીડાઓમાંથી મુક્તિ મળે છે તેવી ગાઢ માન્યતા પ્રવર્તે છે. આ જ કારણ છે કે, શ્રાવણ મહિનાના આ છેલ્લી શનિવારે રાજ્યભરમાંથી લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા અહીં પહોંચ્યા હતા.
આ પવિત્ર સ્થળ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ મહાભારતકાળના ઇતિહાસ સાથે પણ ગાઢ રીતે જોડાયેલું છે. લોકવાયકાઓ મુજબ, પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન ભીમ દ્વારા આ અદ્ભુત મૂર્તિની સ્થાપના કરવામાં આવી હોવાનું મનાય છે. આ વિસ્તારમાં આજદુધી ભગ્ન અવસ્થામાં પ્રાચીન શિવમંદિરો અને 'ભીમની ઘંટી' તરીકે ઓળખાતા પુરાતત્વીય અવશેષો જોવા મળે છે.
એટલું જ નહીં, મહાભારત કાળની દંતકથા અનુસાર અર્જુને પોતાના બાણથી પાણીની ધાર કાઢીને અહીં એક વાવનું નિર્માણ કર્યું હતું, જેમાંથી ગમે તેવી પરિસ્થિતિમાં પણ સતત પાણી વહેતું રહે છે. આ પૌરાણિક ચમત્કારો આ સ્થાનના મહાત્મ્યને વધુ અનેકગણું વધારી દે છે.
આજના આ શુભ દિવસે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. જાંબુઘોડાના આ ગીચ વન વિસ્તારમાંથી પસાર થતો રસ્તો અને ચોમાસાના ઠંડા પવનો વચ્ચે ડુંગરો પર છવાયેલું ધુમ્મસ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વહેલી સવારથી શરૂ થયેલો ભક્તોનો પ્રવાહ મોડે સુધી ચાલુ રહ્યો હતો, જેના કારણે આખો પંથ ભક્તિમય અને ઉત્સાહસભર બન્યો હતો. ઝંડ હનુમાનજીના આ પાવિત્ર દર્શને શ્રદ્ધાળુઓને અલૌકિક શાંતિ અને આધ્યાત્મિક ઊર્જા પૂરી પાડી હતી.
