ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય છતાં ભારે વરસાદની શક્યતા નહીવત, આજે 5 જિલ્લાના 12 તાલુકામાં ધીમીધારે મેઘમહેર

ગુજરાતમાં ચોમાસું અંતિમ પડાવે છે, પરંતુ અલ નીનોને કારણે અપેક્ષા મુજબ વરસાદ નથી. ત્રણ સિસ્ટમ સક્રિય હોવા છતાં ભારે વરસાદની શક્યતા ઓછી છે, જેનાથી રાજ્યમાં વરસાદની ખેંચ વર્તાઈ રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 05 Sep 2026 10:44 PM (IST)Updated: Sat, 05 Sep 2026 10:44 PM (IST)
gujarat-weather-update-4-active-weather-systems-but-heavy-rain-unlikely-drizzle-in-12-talukas

Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસું તેના અંતિમ પડાવ તરફ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે, પરંતુ અલ નીનોની અસરના કારણે આ વર્ષે રાજ્યમાં અપેક્ષા પ્રમાણે વરસાદ નથી વરસ્યો.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં વરસાદની ખેંચના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય છતાં વરસાદનો લાભ નહીં મળે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અત્યારે ગુજરાતમાં મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 3 વરસાદી સિસ્ટમો સક્રિય છે. આ સિસ્ટમની અસરથી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

જો કે આ સિસ્ટમ વધારે મજબૂત ના હોવાથી આવનારા દિવસોમાં ભારે વરસાદની સંભાવના નહીવત છે. આથી આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હોવા છતાં કુલ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની અછતથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. જેથી ખેડૂતો આવનારા દિવસોમાં વરસાદની તીવ્રતા વધે તેવી આશા રાખીને બેઠા છે.

દક્ષિણ-મધ્ય ગુજરાતમાં મેઘાની હળવી છડી

આજે સવારે 6 થી રાતે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 12 તાલુકામાં માત્ર સામાન્ય વરસાદી ઝાપટા નોંધાયા છે. જેમાં વલસાડ, નવસારી અને છોટા ઉદેપુર સહિત 5 જિલ્લાના છૂટાછવાયા ભાગોમાં હળવો વરસાદ નોંધાયો છે. જે પૈકી છોટા ઉદેપુરના ક્વાંટમાં સૌથી વધુ 24 મી.મી. વરસાદ પડ્યો છે.

આ સિવાય વલસાડના કપરાડામાં 9 મી.મી., પારડીમાં 5 મી.મી., ઉમરગામમાં 5 મી.મી., વાપીમાં 4 મી.મી. તેમજ નાનાપોંઢામાં 3 મી.મી જેટલા છાંટા વરસ્યા છે.