Panchmahal Zand Hanuman Dham: પવિત્ર શ્રાવણ માસના પ્રારંભની સાથે જ આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રો પર ભક્તોની ભીડ જામવા લાગી છે. આજે શ્રાવણ માસના પ્રથમ શનિવારે બોડેલી તાલુકાના ઝંડ ગામે જાંબુઘોડા અભયારણ્ય વચ્ચે આવેલા પ્રસિદ્ધ ઝંડ હનુમાનધામ ખાતે હનુમાન ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી દર્શનાર્થે આવેલા ભક્તોની કતારો જોવા મળી અને સમગ્ર વિસ્તાર જય હનુમાનના નાદથી ગુંજી ઉઠ્યો હતો.
21 ફૂટની ભવ્ય મૂર્તિ અને શનિદેવનું જોડાણ
ઝંડ હનુમાન ધામના પૌરાણિક અને ધાર્મિક મહત્વ વિશે વાત કરીએ તો, અહીં આશરે 21 ફૂટ લાંબી હનુમાનદાદાની ભવ્ય મૂર્તિ છે, જે એક વિશાળ રેતાળ પથ્થરમાંથી કોતરાયેલી છે. આ મૂર્તિની સૌથી મોટી વિશેષતા, દાદાના ડાબા પગ નીચે શનિદેવ બિરાજમાન છે. લોકમાન્યતા મુજબ, શનિની પનોતી કે શનિદોષથી પીડાતા ભક્તો જો અહીં દર્શન કરે તો તેમની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. આ જ કારણસર શ્રાવણ માસના દરેક મંગળવાર અને શનિવારે દૂર-દૂરથી હજારો શ્રદ્ધાળુઓ અહીં શીશ ઝુકાવવા માટે આવે છે.
મહાભારતકાળ સાથે જોડાયેલો ઈતિહાસ
આ પવિત્ર સ્થળ 'હેડંબા વન' તરીકે પણ ઓળખાય છે અને મહાભારતકાળ સાથે જોડાયેલી અનેક લોકવાયકાઓ આ જગ્યાની પૌરાણિક મહત્તામાં વધારો કરે છે. મંદિર પરિસરમાં અર્જુન કૂવો પણ આવેલો છે. જેના વિશે માનવામાં આવે છે કે વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને જમીન પર બાણ મારીને આ પાણીનો કૂવો પ્રગટ કર્યો હતો.
જંગલ વિસ્તારમાં પ્રાચીન અને ભગ્નવસ્થામાં શિવ મંદિરો, પાળિયા તેમજ મહાબલી ભીમ સાથે જોડાયેલી વિશાળ પથ્થરની 'ભીમની ઘંટી' જોવા મળે છે. એવી લોકવાયકાઓ છે કે પાંડવોના વનવાસ દરમિયાન ભીમ આ ઘંટીનો ઉપયોગ અનાજ દળવા માટે કરતા હતા, જેનો ઘેરાવો આશરે પાંચ ફૂટ જેટલો છે.
પ્રકૃતિ અને આધ્યાત્મનો અદભુત સંગમ
જાંબુઘોડા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીની ઊંડી ખીણો, આકાશને સ્પર્શતા ઊંચા પર્વતો અને ગીચ જંગલોની ગોદમાં આવેલું આ સ્થળ ધાર્મિક આસ્થાની સાથે પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ સ્વર્ગ સમાન છે. શહેરના કોલાહલ અને પ્રદૂષણથી સંપૂર્ણ મુક્ત આ વાતાવરણમાં માત્ર પક્ષીઓનો મધુર કલરવ, વૃક્ષોના પાંદડાનો સરસડાટ અને વહેતા પાણીનો અવાજ જ સાંભળવા મળે છે, જે આવનાર દરેક શ્રદ્ધાળુને અલૌકિક માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા પૂરી પાડે છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહીં વિશેષ ધાર્મિક આયોજન થાય છે અને શ્રાવણ માસના અંતિમ શનિવારે અહીં વિશાળ અને ભવ્ય મેળો ભરાય છે. આ મેળામાં ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો ભાગ લઈને ધન્યતા અનુભવે છે. સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે સ્થાનિક તંત્ર દ્વારા પણ યોગ્ય આગોતરી તૈયારી કરવામાં આવી છે.
