Pavagadh Navratri Tragedy: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન કરવા આવેલ એક યુવક 1 હજાર ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા મોતને ભેટ્યો છે. આ શ્રદ્ધાળું મંદિરના નિયત માર્ગને બદલે ટૂંકો રસ્તો પસંદ કરીને નીચે ઉતરી રહ્યો હતો, ત્યારે સંતુલન ગુમાવતાં ખીણમાં પટકાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ મધ્ય પ્રદેશનો વતવી અને હાલ રોજગાર અર્થે વડોદરા સ્થાયી થયેલ અનિલ ભીલ નામનો યુવક આજે પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાજીના દર્શન કરવા આવ્યો હતો. માતાજીના દર્શન કરીને તે પગપાળા નીચે તરફ જઈ રહ્યો હતો. જો કે વહેલા પહોંચી જવાની લહાયમાં અનિલ પગથિયાનો સુરક્ષિત માર્ગ છોડીને પર્વતીય જોખમી શોર્ટકટ માર્ગ પસંદ કર્યો હતો.
ચોમાસાની ઋતુ બાદ પર્વતની ભેખડો અને પથ્થરો અત્યંત લપસણા બની ગયા હોવાથી અચાનક અનિલનો પગ લપસી જતાં તે સીધો ખીણમાં ગબડી પડ્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના યાત્રિકોઓ ચીસાચીસ કરી મૂકી હતી.
આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, મંદિર ટ્રસ્ટના સુરક્ષાકર્મીઓ, SDRF અને હાલોલ ફાયર બ્રિગેડની ટીમો રેસ્ક્યૂ સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ખીણ અત્યંત ઊંડી હોવા છતાં દોરડા અને ખાસ સ્ટ્રેચરની મદદથી કલાકોની આકરી જહેમત બાદ ગંભીર હાલતમાં યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાદ 108ની મદદથી તેને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે માથાના ભાગે થયેલી ગંભીર ઈજાઓ અને વધુ પડતું લોહી વહી જવાને કારણે સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું હતુ.
હાલ તો હાલોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દુઃખદ ઘટના બાદ વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે ડુંગર પર આવવા-જવા માટે કોઈ પણ સંજોગોમાં અનધિકૃત કે જોખમી શોર્ટકટ રસ્તાઓનો ઉપયોગ ન કરવો અને માત્ર નિયત રસ્તાઓનો જ ઉપયોગ કરવો.
-1791985432045_m.webp)