પાવાગઢ જનારા ભક્તો માટે મોટા સમાચાર: આસો નવરાત્રીમાં મંદિર અને રોપવેના સમયમાં કરાયો મોટો ફેરફાર!

આસો નવરાત્રી 2026 દરમિયાન પાવાગઢ મા કાલીના દર્શન અને રોપવેના સમયમાં ફેરફાર કરાયો છે. જાણો સંપૂર્ણ વિગત.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 04 Oct 2026 12:52 PM (IST)Updated: Sun, 04 Oct 2026 12:52 PM (IST)
pavagadh-navratri-2026-temple-darshan-ropeway-timings-st-bus-details

Pavagadh Navratri 2026: આસો નવરાત્રીના પવિત્ર પ્રસંગે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મા કાલીના દર્શનાર્થે ઉમટતાં લાખો ભક્તો માટે સ્થાનિક વહીવટી તંત્ર અને ગોધરા એસ.ટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ સુગમતાથી માતાના દર્શન કરી શકે તે માટે 11થી 19 ઓક્ટોબર દરમિયાન નિજ મંદિર અને રોપવેના સમયમાં મોટો ફેરફાર કરાયો છે. તેમજ માચી અને તળેટી ખાતે એલસીડી સ્ક્રીનો પર લાઈવ દર્શન, 24 કલાક ઈમરજન્સી સેવાઓનું વિશેષ આયોજન કરાયું છે.

દર્શન અને રોપવેના સમયમાં ફેરફાર

નવરાત્રી ઉત્સવ દરમિયાન (11 થી 19 ઓક્ટોબર 2026) મા કાલીના દર્શન માટે મંદિરનો સમય સવારે 4:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધીનો રહેશે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રોપવે ઓપરેટ કરતી 'ઉષા બ્રેકો' કંપની દ્વારા રોપવે સેવાનો સમય વહેલો કરવામાં આવ્યો છે. આસો અને ચૈત્રી નવરાત્રી દરમિયાન રોપવે સેવા વહેલી સવારે 5:00 વાગ્યાથી જ શરૂ કરી દેવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓ વહેલી સવારની મંગળા આરતીનો લાભ સરળતાથી લઈ શકે.

આરોગ્ય અને ભીડ નિયંત્રણની આધુનિક વ્યવસ્થા

માચી અને તળેટી ખાતે ભક્તોનું યોગ્ય નિયંત્રણ રહે અને લાંબી લાઈનોમાં ઊભા રહેવા છતાં દર્શનથી કોઈ વંચિત ન રહે તે માટે મોટી એલસીડી સ્ક્રીનો દ્વારા લાઈવ દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, યાત્રાળુઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતાં પાવાગઢ ખાતે 24 કલાક તબીબો અને પેરામેડિકલ સ્ટાફની ટીમ તૈનાત રહેશે, જેથી કોઈ પણ ઈમરજન્સીના સમયે તાત્કાલિક તબીબી સારવાર પૂરી પાડી શકાય.

એસ.ટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા

ભક્તોને આવવા-જવામાં કોઈ અગવડ ન પડે તે માટે ગોધરા એસ.ટી. ડિવીઝન દ્વારા 11 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર 2026 સુધી 55 વધારાની બસો દોડાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર પરિવહન વ્યવસ્થાને સુચારુરૂપે ચલાવવા માટે એસ.ટી. નિગમના 250 જેટલા કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક પોતાની ફરજ બજાવશે.