સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મા કાલીના દર્શનનો સમય જાહેર, જાણી લો દર્શનાર્થીઓ માટેનું ખાસ ટાઇમટેબલ

આસો નવરાત્રી 2026 નિમિત્તે પાવાગઢ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવું સમયપત્રક જાહેર કરાયું છે. 11 થી 26 ઓક્ટોબર સુધી દર્શનનો સમય અને આરતીની વિગત જાણીને જ પાવાગઢ જાઓ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 10 Oct 2026 09:55 AM (IST)Updated: Sat, 10 Oct 2026 09:55 AM (IST)
pavagadh-navratri-2026-darshan-timings-mahakali-temple-schedule

Pavagadh Navratri 2026: આવતીકાલે 11 ઓક્ટોબરથી પવિત્ર આસો નવરાત્રીનો પાવન પ્રારંભ થઈ રહ્યો છે. આ નવરાત્રી પર્વ દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં ઉમટી પડતા દર્શનાર્થીઓની સુવિધા માટે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટેનું નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આગામી 11 થી 26 ઓક્ટોબર દરમિયાન તમામ શ્રદ્ધાળુઓ આ સમયપત્રક મુજબ મા મહાકાળીના દર્શન કરી ધન્યતા અનુભવી શકશે.

મંદિરના ખુલવાનો સમય

સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન મંદિર સવારે 4:00 વાગ્યે દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવશે અને રાત્રે 8:30 વાગ્યે મંગળ આરતી કરવામાં આવશે. જોકે કેટલીક ચોક્કસ તારીખો જેવી કે 12, 14, 15, 16, 21, 22 અને 23 ઓક્ટોબરના રોજ મંદિર વહેલી સવારે 6:00 વાગ્યે ખુલશે. નવરાત્રીના સૌથી પવિત્ર ગણાતા આઠમ અને નોમના દિવસોમાં પણ દર્શન પ્રક્રિયા સવારે 5:00 વાગ્યાથી જ શરૂ કરી દેવામાં આવશે.

દર્શનાર્થીઓને ખાસ અપીલ

મંદિર ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ પંડ્યાએ તમામ માઈભક્તોને આ જાહેર કરાયેલા સમય મુજબ જ દર્શન માટે આવવા અપીલ કરી છે. આ સાથે જ યાત્રાધામમાં ભીડનું યોગ્ય વ્યવસ્થાપન જળવાઈ રહે તે માટે પંચમહાલ જિલ્લા કલેક્ટર અને સંબંધિત વહીવટી તંત્રને પણ આ સમયપત્રક અંગે પૂર્વ જાણ કરી દેવાઈ છે.

પાવાગઢમાં ઉમટશે ભક્તોનું ઘોડાપૂર

બીજી તરફ, આસો નવરાત્રી શરૂ થાય તે પહેલાં જ પાવાગઢ ડુંગર પર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. જગતજનની મા મહાકાળી પ્રત્યેની ગાઢ શ્રદ્ધાને કારણે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ માઈમંદિરે પહોંચી રહ્યા છે. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળે છે અને સમગ્ર પાવાગઢ પરિસર 'જય માતાજી'ના ગગનભેદી નાદથી ગુંજી ઊઠતાં વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું છે.