Panchmahal: ગુજરાત પોલીસ દ્વારા સાયબર ગુનેગારો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા 'ઑપરેશન મ્યૂલ હંટ' અંતર્ગત પંચમહાલ જિલ્લાની શહેરા પોલીસને મોટી સફળતા સાંપડી છે. જેમાં શહેરા પોલીસે રાજ્યવ્યાપી સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરતાં એક બેંકના પૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત ઉત્તર પ્રદેશ અને બિહારના મળીને 3 ગઠિયાઓને ઝડપી પાડ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઈન્ડિયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટરના સમન્વય પોર્ટલ અને ગાંધીનગર સાયબર સેન્ટર ઑફ એક્સીલન્સ દ્વારા પ્રાપ્ત બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી. મોટી રકમના ચેકના ટ્રાન્જેક્શન અને ATMમાંથી કેસ ઉપાડવાના ડેટાને ધ્યાનમાં રાખીને શહેરા પોલીસની બે સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી હતી.
જે બાદ ટેક્નીકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી પોલીસે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની આદર્શ શુક્લા (19) અને બિહારના સીતામઢીના વતની જીશુ મિશ્રા (21)ની ધરપકડ કરી હતી.
પોલીસની પૂછપરછમાં સમગ્ર રેકેટમાં ગોધરામાં રહેતા અને શહેરાની બેંકમાં અગાઉ કોન્ટ્રાન્કટ પર ફરજ બજાવતા બ્રાન્ચ મેનેજર સપન પારેખની સંડોવણી સામે આવી હતી. સપનની પહેલા જ નોકરીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. હવે તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ ગેંગે સુરતના ચાર અલગ-અલગ વ્યક્તિઓના નામે શહેરાની બેંકમાં ખાતા ખોલાવ્યા હતા. માત્ર 30 થી 35 દિવસની અંદર આ ખાતામાં લગભગ 3.75 કરોડ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્જેક્શન થયા હતા. જે પૈકી એક ખાતાનો કેરલના તિરુવનંતપુરમ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં દાખલ ગુનામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આરોપીઓની પૂછપરછ દરમિયાન, રૂ.804 કરોડથી વધુના કૌભાંડમાં સુરતના સાગર સેન અને દાહોદના રાહુલ બારિયાની સંડેવણી પણ સામે આવી છે, જે બન્નેને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
