Ahmedabad Fire: શહેરના એસ.જી. હાઈવે પર આવેલ ઈસ્કોન સર્કલ નજીક પે એન્ડ પાર્કમાં ચાની કીટલીમાં આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસ પાર્ક કરેલા 9 વાહનો બળીને ભસ્મિભૂત થઈ ગયા છે.
ગેસનો બાટલો લીકેજ થતાં આગ ભડકી
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઈસ્કોન સર્કલ નજીક વાઈડ એન્ગલ મલ્ટીપ્લેક્સની સામે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પે એન્ડ પાર્કિંગમાં અપંગ માનવ મંડળની ચાની કીટલીમાં આજે રાતના સમયે ગેસના બાટલામાં લીકેજ થવાથી આગ લાગી હતી. આ સમયે કીટલીમાં રહેલો ગેસનો બાટલો ધડાકાભેર ફાટતા જોત-જોતામાં આગ વધારે ભડકી હતી.
વિકરાળ બનેલી આગે નજીકમાં પાર્ક કરેલા પાંચ મોટર સાયકલ અને ચાર જેટલા એક્ટિવાને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. બીજી તરફ આ બાબતની જાણ થતાં પ્રહલાદનગર ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
જો કે આગના રૌદ્ર સ્વરૂપને જોતા તકેદારીના ભાગરૂપે સર્વિસ રોડને બંધ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ ફાયર વિભાગના કર્મચારીઓએ પાણીનો સતત મારો ચલાવીને ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ 9 જેટલા વાહનો સળગી ગયા છે.
