પ્રશાંત ગજ્જર, 80th Independence Day: પંચમહાલ જિલ્લાના જગવિખ્યાત અને આસ્થાના પ્રતિકસમા પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આ વર્ષે વરસાદી માહોલ અને સોહામણા વાતાવરણ વચ્ચે 80મા સ્વાતંત્ર્ય દિવસની ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.
આરાધ્યા દેવી મહાકાળી માતાજીના પવિત્ર મંદિર પરિસરમાં આયોજિત ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વરસાદી બુંદો વચ્ચે સમગ્ર મહાકાળી મંદિર પરિસરને રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વિશેષ રીતે તિરંગાના રંગો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ અને ઝાકળભર્યુ વાતાવારણ જોવા મળ્યું હતું, તેમ છતાં ભક્તો અને નાગરિકોના ઉત્સાહમાં કોઈ જ ઓટ જોવા મળી નહોતી.
આ પણ વાંચો
ભક્તોની લાંબી અને શિસ્તબદ્ધ કતારો વચ્ચે મહાકાળી માતાજીના દર્શન અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો આ અનોખો સંગમ રચાતાં સમગ્ર યાત્રાધામનું વાતાવરણ દિવ્ય અને દેશભક્તિથી ઓતપ્રોત બની ગયું હતું.
મંદિર પરિસરમાં વિધિવત રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય અવસરે મંદિર ટ્રસ્ટના સભ્યો, ટ્રસ્ટના અધિકારીઓ, સુરક્ષા જવાનો, કર્મચારીઓ, યાત્રિકો અને સ્થાનિક આગેવાનોએ હર્ષોલ્લાસ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ સાથે જ દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિવીરો અને દેશના રક્ષણ માટે શહીદ થયેલા વીર જવાનોને ભાવભીરે યાદ કરી નમન કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપ્રેમથી સભર આ વાતાવરણમાં ઉપસ્થિત સૌ કોઈ શ્રદ્ધાળુઓએ એકસૂરે 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ' ના નારા લગાવીને સમગ્ર પાવાગઢ પર્વત પરિસરને ગુંજાવી મૂક્યું હતું. વરસાદની પવિત્ર હેલી વચ્ચે માતાજીની આરાધના અને દેશભક્તિના આ મહાપર્વની ઉજવણીએ ઉપસ્થિત દરેક અતિથિના હૃદયમાં દેશપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી. કાર્યક્રમના અંતે સૌએ દેશની અખંડિતતા, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
