વરસાદી માહોલ વચ્ચે પાવાગઢમાં સર્જાયા અલૌકિક દ્રશ્ય! મહાકાળીના દર્શનાર્થે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

પાવાગઢ ડુંગરે બિરાજમાન મહાકાળી માતાજીના દર્શનાર્થે વહેલી સવારથી જ ડુંગર પર હજારો ભક્તો ઉમટી પડતા ભક્તિનો માહોલ સર્જાયો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 05 Jul 2026 02:49 PM (IST)Updated: Sun, 05 Jul 2026 02:49 PM (IST)
pavagadh-hill-mahakali-temple-monsoon-fog-devotees-rush-on-sunday

Pavagadh Temple News: પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે રવિવારની રજાના દિવસે માતાજીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ ડુંગર પર પહોંચી જતાં ભક્તિ અને પ્રકૃતિનો અદભુત સંગમ સર્જાયો હતો.

“જય માતાજી” ના નાદથી ગુંજી ઉઠ્યો ડુંગર

રવિવારની રજા હોવાથી પરિવાર સાથે દર્શનાર્થે આવતા યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. સવારથી જ મંદિર પરિસર અને પગથિયાના માર્ગે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. સમગ્ર વાતાવરણ “જય માતાજી” તેમજ “મા કાલીની જય” ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં ભક્તોના ઉત્સાહ અને શ્રદ્ધામાં કોઈ ઓટ જોવા મળી ન હતી.

naidunia_image

વાદળો અને ધુમ્મસ વચ્ચે પ્રકૃતિ ખીલી ઉઠી

હાલમાં ચોમાસાને કારણે પાવાગઢ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ડુંગર પર સતત છવાયેલા ધુમ્મસ અને વાદળોના કારણે યાત્રિકોને અનોખા અને શીતળ વાતાવરણનો અહેસાસ થયો હતો. વરસાદી છાંટા અને ઉંચા શિખરો પર વાદળો જાણે આંજણ કરી રહ્યા હોય તેવા નયનરમ્ય દ્રશ્યોએ પ્રકૃતિ પ્રેમીઓ અને ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

naidunia_image

પરિસરમાં ગરબાની રમઝટ, ભક્તિનો માહોલ

આ કુદરતી નજારાએ દર્શનનો આનંદ બમણો કરી દીધો હતો. માતાજીના દર્શનના ઉલ્લાસમાં મંદિરના પરિસરમાં અનેક જગ્યાએ ભક્તો ભક્તિભાવમાં તરબોળ થઈને ગરબા રમતા જોવા મળ્યા હતા. સ્તવન અને ગરબાની રમઝટથી સમગ્ર પહાડ પર ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો, જેમાં વૃદ્ધોથી લઈને યુવાનો સુધીના સૌ કોઈ ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા.

naidunia_image

વહીવટી તંત્ર અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

રવિવારે ઉમટી પડેલી ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા આગોતરી તૈયારી કરવામાં આવી હતી. યાત્રિકો કોઈ પણ મુશ્કેલી વિના દર્શનનો લાભ મળી શકે અને ભીડને નિયંત્રિત કરવા વિશેષ બેરિકેડ ગોઠવ્યા અને સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા.

આ ઉપરાંત, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પણ પોલીસે સઘન કામગીરી હાથ ધરી હતી. પ્રકૃતિના ખોળામાં અને વરસાદી માહોલ વચ્ચે ભક્તોએ મહાકાળી માતાના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. સાથે જ ધુમ્મસની ચાદર વચ્ચે પાવાગઢ મંદિરનો આ સુંદર અને અલૌકિક દ્રશ્યો હાલ વાયરલ થઈ રહ્યા છે.