Panchmahal: મહિલા કોન્સ્ટેબલ પત્ની પર જીવલેણ હુમલો કરી ફરાર પતિની હત્યા, બાવળના ઝાડની ડાળી સાથે લટકાવેલી લાશ મળતા અરેરાટી

પંચમહાલની મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કરનાર પતિની ખેડામાં હત્યા કરાયેલી લાશ મળી છે. પોલીસે પત્ની પરના હુમલા અને પતિની હત્યા વચ્ચેના સંબંધની સઘન તપાસ શરૂ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 20 Aug 2026 09:55 PM (IST)Updated: Thu, 20 Aug 2026 09:55 PM (IST)
panchmahal-news-man-who-attacked-constable-wife-found-murdered-near-pali

પ્રશાંત ગજ્જર, Panchmahal News: ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પાલી ગામ નજીક મહિસાગર નદીના રેલવે બ્રિજ પાસેથી એક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ યુવાન અન્ય કોઈ નહીં પરંતુ બે દિવસ અગાઉ પોતાની પોલીસ કોન્સ્ટેબલ પત્ની પર ચાકુથી જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયેલો તેનો પતિ હોવાનું બહાર આવ્યું છે.

ગોધરા તાલુકાના વિવડ ખુર્દ ગામના રહેવાસી મહિપાલસિંહ કિરણસિંહ ઝાલાના લગ્ન વર્ષ 2012માં મીનાબેન સાથે થયા હતા. મીનાબેન હાલ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. નોકરી મેળવ્યા બાદ દંપતી પોલીસ લાઈનમાં રહેતું હતું, જ્યાં અવારનવાર નાના-મોટા કારણોસર કંકાસ થતો હતો.

ગત 17 અને 18 ઓગસ્ટની રાત્રે મહિપાલસિંહે પત્ની મીનાબેન પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો અને ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત મીનાબેનને ગોધરાથી વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે પરિવારજનો દ્વારા ફરાર મહિપાલસિંહની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ગત 19 ઓગસ્ટે સાંજે સેવાલિયા પોલીસ દ્વારા પરિવારને સૂચના આપવામાં આવી કે, મહિસાગર નદીના રેલવે બ્રિજ પાસે વણઝાર સ્મશાન નજીકથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પરિવારજનોએ સેવાલિયા સરકારી હોસ્પિટલ પહોંચીને મૃતદેહની ઓળખ મહિપાલસિંહ તરીકે કરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક મહિપાલસિંહના માથાના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી છે. અજાણ્યા શખ્સોએ અગમ્ય કારણોસર તેની હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહને બાવળના ઝાડની ડાળી સાથે લટકાવી દીધો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સેવાલિયા પોલીસે આ માەલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને પત્ની પરના હુમલા અને પતિની હત્યા વચ્ચે કોઈ જોડાણ છે કે કેમ તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.