Narmada: સાગબારામાં જંગલ જમીન હક માટેના આંદોલનનો 13મો દિવસ, આદિવાસી નેતા લીલાબેનની તબિયત લથડી

નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણના હક માટે ચાલી રહેલા 13 દિવસના આંદોલન દરમિયાન આદિવાસી નેતા લીલાબેન વસાવાની તબિયત લથડી. કોંગ્રેસ નેતાના સમર્થન છતાં 608 દાવાઓ પેન્ડિંગ હોવાથી આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 20 Aug 2026 09:08 PM (IST)Updated: Thu, 20 Aug 2026 09:08 PM (IST)
narmada-news-sagbara-forest-land-protest-adivasi-leader-lilaben-vasava-health-deteriorates

પ્રશાંત ગજ્જર, Narmada News: નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં જંગલ જમીન ખેડાણના હક માટે આદિવાસીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા ધરણા આંદોલનનો આજે 13મો દિવસ છે. આ લાંબા વિરોધ પ્રદર્શન વચ્ચે આદિવાસી મહિલા આગેવાન લીલાબેન વસાવાની તબિયત અચાનક લથડી જવાથી સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ભૂખ હડતાળ દરમિયાન ઢળી પડ્યા લીલાબેન વસાવા

છેલ્લા 13 દિવસથી અવિરત ભૂખ હડતાળ પર બેઠેલા આગેવાન લીલાબેન વસાવા આજે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા સાથે વાતચીત કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક જમીન પર ઢળી પડ્યા હતા. આ ઘટના બનતા જ ધરણા સ્થળે હાજર અન્ય આદિવાસી મહિલાઓએ તેમને તાત્કાલિક પોતાના ખોળામાં સુવડાવી દીધા હતા. લાંબા સમયથી ચાલી રહેલા ઉપવાસ અને યોગ્ય પોષણના અભાવે તેમની તબિયત ગંભીર રીતે પ્રભાવિત થઈ હોવાનું સામે આવ્યું છે.

કોંગ્રેસ નેતાનું સમર્થન અને વહીવટી તંત્ર સામે આક્ષેપ

ઘટનાની જાણ થતા જ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા આદિવાસીઓના સમર્થનમાં સાગબારા પહોંચ્યા હતા. તેમણે ગાંધીનગરના પીએસીસીએફ અને વનવિભાગના એસીએફ સાથે ટેલિફોનિક વાતચીત કરી આદિવાસીઓને વહેલી તકે જંગલ જમીન ખેડાણના હક આપવાની ઉગ્ર રજૂઆત કરી હતી. આંદોલનકારીઓ દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તંત્ર દ્વારા અત્યાર સુધી લીલાબેન વસાવાની તબિયતની પૂછપરછ કે મુલાકાત લેવામાં આવી નથી.

608 દાવાઓ પેન્ડિંગ અને ખેડૂતોની મુશ્કેલીઓ

ઉમરપાડા અને સાગબારા તાલુકાના ખેડૂતોના જંગલ જમીનના કુલ 608 જેટલા દાવાઓ હજુ પણ પેન્ડિંગ સ્થિતિમાં છે. તાજેતરમાં ઉમરપાડાના 12 અને સાગબારાના 12 ખેડૂતોને જમીન ખેડવાની સનતો મળી હોવાનો દાવો કરાયો છે, પરંતુ વનવિભાગ દ્વારા હજુ સુધી આ ખેડૂતોને જમીન પર ખેડાણ કરવા દેવામાં આવતું નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વહીવટી તંત્રની આ ઉદાસીનતાને કારણે આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી પૂરી શક્યતા છે.