New Plant Species Gujarat: ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (ગીર ફાઉન્ડેશન)નાં સંશોધકોએ 'રુંજિયા રીપેન્સ’ (Rungia repens)ની નવી સફેદ ફૂલોવાળી જાતની નવી વરાયટી શોધી છે અને ગુજરાતનાં વનસ્પતિ વૈવિદ્યતામાં એક નવા છોડનો ઉમેરો થયો છે. આ નવા ઓળખાયેલા છોડની વરાયટીનું નામ 'રુંજિયા રીપેન્સ વરાયટી આલ્બા' રાખવામાં આવ્યું છે, જેમાં 'આલ્બા' નામ છોડના સફેદ રંગના ફૂલોનો સંદર્ભ આપે છે.
વન મંત્રીએ સંશોધકોને અભિનંદન પાઠવ્યા
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા એ જણાવ્યું કે, છોટા ઉદેપુર જિલ્લામાં નર્મદા કેનાલ કમાન્ડ એરિયામાં જૈવ-વિવિધતાના અભ્યાસ દરમિયાન આ છોડની નવી વરાયટી જોવા મળી હતી. આ શોધ બદલ હું ગીર ફાઉન્ડેશનનાં સંશોધકોને અભિનંદન આપું છું. તેઓએ વધુમાં ઉમેર્યું કે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 'નર્મદા કેનાલ સિસ્ટમની પર્યાવરણ અને ઇકોલોજી (જૈવ-વિવિધતા, માટી અને પાણીની ગુણવત્તા) પર અસર' પ્રોજેક્ટના ભાગરૂપે આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.
ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળી એ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યનાં વન વિભાગે આપણી અમૂલ્ય વનસ્પતિ સૃષ્ટિના રક્ષણ માટે વિવિધ સંશોધન પહેલ અને પગલાં હાથ ધર્યા છે. આ પ્રકારનાં સંશોધનને કારણે આપણા રાજ્યમાં રહેલી જૈવ-વિવિધતાની સમૃદ્ધિ વિશે આપણને અંદાજ આવે છે અને ભવિષ્યમાં તેના સંરક્ષણ માટે નવી દિશા આપે છે,’’.
વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સ્થાપિત ગીર ફાઉન્ડેશન
ગીર ફાઉન્ડેશનના નિયામક બી.પી. પતિ (IFS) એ જણાવ્યું કે, અમારા સંશોધકોએ જૈવ-વિવિધતાનાં અભ્યાસ દરમિયાન છોટા ઉદેપુર જિલ્લામાંથી આ છોડની નવી વરાયટીનાં ત્રણ પરિપક્વ છોડની નોંધ કરી હતી. આ છોડનો નમૂનો એકત્રિત કરી, સૂકવીને આ નમૂનાને ગીર ફાઉન્ડેશન હર્બેરિયમ (GEERF) ખાતે જમા કરવામાં આવ્યો છે.
ગુજરાતનાં અગ્ર મુખ્ય વનસંરક્ષક (વન્યજીવ) ડૉ. જયપાલ સિંહે જણાવ્યું કે, રુંજિયા રીપેન્સ વરાયટી આલ્બા’ની ઓળખ ગુજરાતની જૈવિક સમૃદ્ધિમાં ઉમેરો કરે છે અને નર્મદા કેનાલ સિસ્ટમ સાથે સંકળાયેલા વિસ્તારોમાં સતત ઇકોલોજીકલ સર્વેક્ષણોના મહત્વને ઉજાગર કરે છે. આ સંશોધન ટીમમાં ગીર ફાઉન્ડેશનના ડો. રાજકુમાર યાદવ, નમન નાયક, વિનેશ ગામિત, અમિતકુમાર નાયક (IFS) અને બી.પી. પતિ (IFS) નો સમાવેશ થાય છે.
આ છોડનાં વિશિષ્ટ સફેદ ફૂલો નવી ઓળખ બન્યાં
આ સંશોધન સાથે જોડાયેલા ડૉ. રાજકુમાર યાદવે જણાવ્યું કે, છોડની આ નવી વરાયટી સામાન્ય રીતે જોવા મળતી 'રુંજિયા રીપેન્સ' કરતા અલગ છે, જેમાં વાદળી-જાંબલી રંગના ફૂલો હોય છે. આ નવી વરાયટીમાં એકદમ સફેદ કોરોલા (ફૂલની પાંખડીઓ), મધ્યમ કદના ફ્લાવર સ્પાઇક્સ અને લીલાશ પડતા સફેદ પોઇન્ટેડ ટિપ્સ સાથે નાના બ્રેક્ટ્સ હોય છે.આ શોધને ફોરેસ્ટ્રીનાં સૌથી જુના આતંરરાષ્ટ્રીય જર્નલ 'ઇન્ડિયન ફોરેસ્ટર' માં પ્રકાશન માટે સ્વીકારવામાં આવ્યું છે.
આ છોડને ફૂલ આવવાનો સમયગાળો ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી નોંધવામાં આવ્યો છે, અને ત્યારબાદ મે થી જૂન સુધી ફળ આવે છે. આ સામાન્ય 'રુંજિયા રીપેન્સ’ થી અલગ છે, જેમાં ફૂલ આવવાનો સમયગાળો ઓગસ્ટથી જાન્યુઆરી સુધીનો નોંધાયેલો છે.
બારીકાઇથી સરખામણી કરતા નવી પ્રજાતિની ઓળખ થઇ
ગીર ફાઉન્ડેશનના નાયબ નિયામક અમિતકુમાર નાયકે (IFS) જણાવ્યું કે, 'રુંજિયા રીપેન્સ’નાં હાલના નમૂનાઓ સાથે વિગતવાર મોર્ફોલોજિકલ પરીક્ષણ અને સરખામણી કર્યા પછી છોડની નવી વરાયટી તરીકે ઓળખ કરવામાં આવી છે. સંશોધકોએ નોંધ્યું કે, સફેદ ફૂલોવાળા છોડ સામાન્ય રીતે જોવા મળતા વાદળી ફૂલોવાળા સ્વરૂપ કરતા કેટલાક મોર્ફોલોજિકલ તફાવતો દર્શાવે છે.
ગીર ફાઉન્ડેશન હર્બેરિયમને સત્તાવાર એક્રોનિમ "GEERFH" મળ્યું
ગીર ફાઉન્ડેશનનાં નિયામક બી.પી. પતિએ (IFS) જણાવ્યું કે, તાજેતરમાં, ગીર ફાઉન્ડેશન હર્બેરિયમને ધ ન્યૂયોર્ક બોટનિકલ ગાર્ડન (NYBG) દ્વારા હોસ્ટ અને પ્રકાશિત 'ઇન્ડેક્સ હર્બેરિયોરમ' દ્વારા સત્તાવાર એક્રોનિમ (GEERFH) આપવામાં આવ્યું છે. આ રજિસ્ટ્રી વિશ્વભરના સંશોધકોને ફાઉન્ડેશનના સંગ્રહને સરળતાથી શોધવા, સંદર્ભ આપવા અને ટાંકવામાં સક્ષમ બનાવે છે.
હર્બેરિયમ નવી વનસ્પતિ શોધોના દસ્તાવેજીકરણમાં અને દેશભરના વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો અને સંશોધન વિદ્વાનો માટે તેના સંગ્રહને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
