Pavagadh Aatham Havan: 51 શક્તિપીઠોમાં આદ્યશક્તિપીઠ તરીકે પવિત્ર ગણાતા યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના પાવન પર્વે યોજાતા આઠમના હોમાત્મક હવનનું વિશેષ આધ્યાત્મિક અને મહત્ત્વપૂર્ણ સ્થાન છે. માતાજીના નિવેદ અને આઠમના પવિત્ર હવનના દર્શન કરવા કરવા યાત્રાધામ પાવાગઢ ખાતે 1.50 લાખથી પણ વધુ માઈભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.
આસો નવરાત્રી અંતર્ગત પંચાંગ મુજબ સોમવારે આઠમ અને નોમનો અનોખો સંયોગ સર્જાયો હતો. આજે બપોરે 4 વાગ્યાથી ડુંગર પર આવેલા મંદિર પરિસરમાં આઠમના હવન માટે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પવિત્ર હવનકુંડમાંથી પ્રગટેલી અગ્નિજ્વાળાઓ અને વેદપાઠના દિવ્ય ધ્વનિથી સમગ્ર પાવાગઢ ડુંગર અને મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં લીન થઈ ગયું હતું.
આ પણ વાંચો
આઠમના હવન દર્શન માટે અધીરા બનેલા માઈભક્તો વહેલી પરોઢે મંદિરના નિજદ્વાર ખુલતાં જ લાઈનોમાં શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈ ગયા હતા. હવનમાં અપાતી પવિત્ર આહૂતિઓના દિવ્ય દર્શન કરીને 1.50 લાખ જેટલા ભક્તોએ ધન્યતા અનુભવી હતી. 'જય મહાકાળી'ના ગગનભેદી જયઘોષ સાથે ભક્તોએ હવનકુંડ સમક્ષ શીશ નમાવી માતાજીની મહાપૂજા કરી હતી તથા પોતાની માનતાઓ અને મનોકામનાઓની પૂર્તિ માટે આશીર્વાદ મેળવ્યા હતા.
હવન દરમિયાન ભક્તોની ભારે મેદનીને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ તેમજ પોલીસ વહીવટી તંત્ર દ્વારા હવન સ્થળ તથા દર્શન માર્ગ પર ચુસ્ત બંદોબસ્ત અને આયોજનબદ્ધ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી, જેથી તમામ શ્રદ્ધાળુઓ શાંતિપૂર્વક આઠમના પવિત્ર હવન દર્શનનો લાભ લઈ શક્યા હતા.
