ગુજરાતના 60 તાલુકામાં મેઘાવી માહોલઃ મોરવા હડફમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 2 કલાકમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતોમાં ખુશી

ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે, જેમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને મોરવા હડફમાં 2 કલાકમાં 1.8 ઇંચ વરસાદ પડ્યો છે. આ વરસાદથી ખેડૂતોને પાકને જીવતદાન મળતા ખુશી છવાઈ છે, અને હવામાન વિભાગે 15 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 12 Sep 2026 05:37 PM (IST)Updated: Sat, 12 Sep 2026 05:37 PM (IST)
gujarat-monsoon-revival-heavy-rainfall-in-60-talukas-brings-relief-to-farmers

Gujarat Rainfall: બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત લાંબા વિરામ બાદ ધીમે-ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે. ગત ગુરુવારથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે, ત્યારે આજે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતના 60 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે.

પાંચ તાલુકામાં 1 ઈંચથી વધુ ધોધમાર વરસાદનું ઝાપટું પડ્યું

આજે રાજ્યના 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જે પૈકી 5 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં બપોરે 2 થી 4ના બે કલાકના સમયગાળામાં જ 46 મી.મી (1.8 ઈંચ) ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.

મોરવા હડફ ઉપરાંત પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા, તેમજ કાલોલ, શહેરા, જાંબુઘોડા સહિતના તાલુકાઓમાં પણ સારો વરસાદ નોંધાયો છે. જુલાઈના અંત બાદ વરસાદે એકંદરે વિરામ લેતા પાક મુરઝાઈ જવાના ભયે ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. જો કે ખરા સમયે વરસાદ વરસતા પાકને જીવતદાન મળ્યું છે. તેમજ ખેડૂતોના ચહેરા પર પણ ખુશી છવાઈ છે.

પંચમહાલ ઉપરાંત ડાંગના સુબિર તાલુકામાં 45 મી.મી (1.7 ઈંચ), નર્મદાના સાગબારામાં 37 મી.મી (1.4 ઈંચ), દાહોદના લીમખેડામાં 26 મી.મી (1.1 ઈંચ), ગોવિંદગુરુ લીમડીમાં 25 મી.મી., દેવગઢ બારિયામાં 24 મી.મી., તાપીના ઉકાઈમાં 24 મી.મી., દાહોદના ધાનપુરમાં 22 મી.મી તેમજ મહીસાગરના સંતરામપુરમાં 21 મી.મી વરસાદ વરસ્યો છે.


15 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે લો પ્રેશર એરિયા બન્યો છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે, તેમજ મોન્સૂન ટ્રફ પણ સક્રિય છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં આગામી 15 સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર રહેવાની આગાહી કરવામાં આવી છે.