Gujarat Semiconductor Hub: 13 સપ્ટેમ્બર, 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા પાંચ વર્ષમાં વિકાસના અનેક નવા આયામો સર કર્યા છે, જેમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતનો ઉદય સૌથી નોંધપાત્ર સિદ્ધિ છે.
ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં વિશ્વસનીય ભાગીદાર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત આજે ભારતના અગ્રણી સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે.
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે 13.66 બિલિયન ડૉલરથી વધુનું રોકાણ
રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે 13.66 બિલિયન અમેરિકન ડૉલરથી વધુનું રોકાણ આવ્યું છે. ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા કુલ 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ્સ ગુજરાતમાં છે. આ આંકડો માત્ર રોકાણની દૃષ્ટિએ જ નહીં, પરંતુ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજિંગ, ડિઝાઇન અને સંશોધન ક્ષેત્રે ગુજરાતની વધતી ક્ષમતાનો પણ પુરાવો છે.
સાણંદથી ધોલેરા સુધી વિકસી રહી છે સંપૂર્ણ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર સાણંદ અને ધોલેરા બની રહ્યા છે. સાણંદ ખાતે માઇક્રોન ટેક્નોલોજીની DRAM અને NAND મેમરી ચિપ્સ માટેની અત્યાધુનિક ATMP સુવિધા વ્યાવસાયિક ધોરણે કાર્યરત છે.
આ ઉપરાંત સાણંદમાં સીજી પાવર, રેનેસાં અને સ્ટાર્સ માઈક્રોઇલેક્ટ્રોનિક્સની અદ્યતન OSAT સુવિધા તેમજ કેઇન્સ સેમિકોનની હાઇ-એન્ડ ચિપ પેકેજિંગ આધારિત OSAT સુવિધા પણ વ્યાવસાયિક ધોરણે કાર્યરત છે. આમ, ગુજરાતમાં હવે માત્ર ચિપ ઉત્પાદન જ નહીં, પરંતુ ચિપની એસેમ્બલી, ટેસ્ટિંગ અને પેકેજિંગ માટેની સંપૂર્ણ ક્ષમતા વિકસી રહી છે.
ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ભારતમાં પ્રથમ વ્યાવસાયિક સેમિકન્ડક્ટર ફેબનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અહીં 110 થી 28 નેનોમીટર પ્રોસેસ નોડ્સનો ઉપયોગ કરીને CMOS લોજિક ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે. ધોલેરા ખાતે ક્રિસ્ટલ મેટ્રિક્સ દ્વારા ભારતનું પ્રથમ વ્યાવસાયિક મિનિ અને માઇક્રો LED ડિસ્પ્લે ફેબ્રિકેશન તથા પેકેજિંગ યુનિટ પણ વિકસાવવામાં આવી રહ્યું છે. આ સિવાય સુરતમાં સુચિ સેમિકોન દ્વારા નાના પાયે ઉત્પાદન શરૂ કરીને સંપૂર્ણ કક્ષાની OSAT સુવિધા તરફ વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.
વિશ્વસ્તરીય માળખું અને રોકાણકારો માટે અનુકૂળ નીતિ
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે જરૂરી વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. વિશાળ જમીનના પાર્સલ, વિશ્વસનીય વીજળી અને પાણી પુરવઠો, પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ તથા બંદરો, એરપોર્ટ, એક્સપ્રેસવે અને દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર સાથેની કનેક્ટિવિટી ધોલેરાને સેમિકન્ડક્ટર રોકાણ માટે આકર્ષક સ્થળ બનાવે છે.
ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે વિશેષ પ્રોત્સાહનો પણ જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારની CAPEX સહાય ઉપરાંત 40 ટકા વધારાની મૂડી રોકાણ સહાય, FAB પ્રોજેક્ટ માટે જરૂરી પ્રથમ 200 એકર જમીન પર 75 ટકા સબસિડી, સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીનું 100 ટકા વળતર તેમજ 10 વર્ષ સુધી પ્રતિ યુનિટ રૂ. 2ની પાવર ટેરિફ સબસિડી જેવી જોગવાઈઓ રાજ્યની રોકાણકારો માટે અનુકૂળ નીતિને દર્શાવે છે.
સેમિકન્ડક્ટર સાથે કૌશલ્ય વિકાસ અને સંશોધનને પણ પ્રોત્સાહન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે માત્ર રોકાણ મેળવવા પર જ ધ્યાન નથી આપ્યું, પરંતુ જરૂરી કૌશલ્ય ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા પર પણ ભાર મૂક્યો છે. PDEU દ્વારા માઇક્રોન ટેક્નોલોજીના સહયોગથી ATMP તાલીમ કેન્દ્ર વિકસાવવામાં આવી રહ્યું છે. GTU ખાતે ChipIN એક્સ્ટેન્શન સેન્ટર અને સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવી રહી છે, જ્યાં વિદ્યાર્થીઓને VLSI ડિઝાઇન અને ચિપ ડિઝાઇનની સમગ્ર પ્રક્રિયાની તાલીમ મળશે.
ધોલેરા ITI ખાતે સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે ભારતનો પ્રથમ UHP વેલ્ડિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. MeitY અને DST ગુજરાતના સહયોગથી IIT ગાંધીનગરમાં અદ્યતન સેમિકન્ડક્ટર ઉત્પાદન સંશોધન અને તાલીમ માટે સમર્થ કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવી છે.
ગુજરાતની વિકાસયાત્રામાં એક નવો ટેકનોલોજીકલ અધ્યાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને વિકસિત ભારતના વિઝન સાથે કદમ મિલાવીને ગુજરાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે જે ગતિ પ્રાપ્ત કરી છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષના કાર્યકાળની મહત્વપૂર્ણ સિદ્ધિ બની છે. એક સમયે સેમિકન્ડક્ટર માટે વૈશ્વિક સપ્લાય ચેઇન પર નિર્ભર ભારત આજે આ ક્ષેત્રમાં ઉત્પાદન ક્ષમતા વિકસિત કરી રહ્યું છે અને આ પરિવર્તનમાં ગુજરાત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે.
