ગોધરા: શહેરાના ભાગોળ વિસ્તારમાં રહેણાંક મકાનની દિવાલ ધરાશાયી, પિતા-પુત્રનું કરુણ મોત

ભાગોળ વિસ્તારમાં મકાન ઉતારતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 14 May 2026 04:42 PM (IST)Updated: Thu, 14 May 2026 04:42 PM (IST)
godhra-wall-collapse-incident-in-shahera-laborer-father-son-died-of-injuries
HIGHLIGHTS
  • ગોધરામાં મકાનની દિવાલ ધરાશાયી
  • પિતા અને 4 વર્ષના પુત્રનું મોત થયું

Godhra accident news: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાના શહેરા ભાગોળ વિસ્તારમાં કંપારી છૂટી જાય તેવી ઘટના બની છે. અહીંના ચીઠીયાવાડ વિસ્તારમાં એક જૂનું મકાન ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે દબાઈ જવાથી શ્રમિક પિતા અને તેમના 4 વર્ષના માસૂમ પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.

જૂનું મકાન ઉતારતા દિવાલ ધરાશાયી

મળતી માહિતી મુજબ, ગોધરાના ચીઠીયાવાડ વિસ્તારમાં આવેલા એક ખાનગી માલિકીના જૂના મકાનને તોડીને તેને ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. આ કામ માટે ગોધરા તાલુકાના દયાળ ગામના શ્રમિકો કામે લાગ્યા હતા. કામગીરી દરમિયાન જ્યારે બ્રેકર મશીનની મદદથી દિવાલ તોડવામાં આવી રહી હતી, ત્યારે અચાનક દિવાલનો એક હિસ્સો ધરાશાયી થયો હતો.

કાટમાળ નીચે પિતા-પુત્રએ દમ તોડ્યો

આ ભારે ભરખમ કાટમાળ નીચે પિતા અને પુત્ર દબાઈ જતા બંનેએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો સંભાળીને પંચનામું કરવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારબાદ પિતા અને પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

હાલમાં પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. વધુમાં, મકાન ઉતારવાની કામગીરીમાં મજૂરો માટે સુરક્ષાના સાધનો કે સાવચેતી રાખવામાં આવી હતી કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. પોતાના વ્હાલસોયા માસૂમ પુત્ર અને ઘરના મોભીને એક સાથે ગુમાવતા દયાળ ગામના શ્રમિક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.