Panchmahal: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા સાંપડી છે. ગોધરા તાલુકાના છબનપુર ગામ નજીક આવેલી રાજસ્થાન હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલી એક શંકાસ્પદ ટ્રકમાંથી પોલીસે રૂ. 1 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી દારૂ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. સમગ્ર કામગીરી દરમિયાન પોલીસે કુલ રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
હકીકતમાં પંચમહાલ LCB ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, છબનપુર પાસે આવેલી રાજસ્થાન હોટલના પાર્કિંગમાં એક શંકાસ્પદ ટ્રક ઊભી છે. આ ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવીને હેરાફેરી કરવામાં આવી રહી છે. આ બાતમી મળતા જ LCBની ટીમે સક્રિય થઈને નિર્ધારિત સ્થળ પર ઓચિંતો દરોડો પાડ્યો હતો.
રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત
પોલીસ કાફલાએ જ્યારે હોટલના પાર્કિંગમાં ઊભેલી ટ્રકની સઘન તલાશી લીધી, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રકની અંદર ચોરખાનામાં અને માલસામાનની આડમાં વિદેશી દારૂની પેટીઓનો વિશાળ જથ્થો વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી દારૂની તમામ પેટીઓ અને પરિવહન માટે ઉપયોગમાં લેવાયેલી ટ્રક મળીને કુલ રૂ. 1,10,80,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ
આ ગંભીર ગુનાના સંદર્ભમાં પોલીસે દારૂનો જથ્થો મોકલનાર, મંગાવનાર, ટ્રકના માલિક અને ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા તમામ સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને રાજ્યના કયા શહેરમાં સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. પંચમહાલ પોલીસની આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ આ આખા નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લઈ રહી છે.
