Petrol-Diesel Prices: વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે પેટ્રોલિયમ કંપનીઓને મુંઝવતો પ્રશ્ન, આખરે નુકસાન ભોગવીને પેટ્રોલ-ડીઝલ ક્યાં સુધી વેચવું?

આવનારા સમયમાં પેટ્રોલિયમ કંપનીઓ એકસાથે નહીં, પરંતુ ધીમે-ધીમે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી શકે છે, જેથી લોકોને ઝાટકો ના લાગે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 09 May 2026 07:36 PM (IST)Updated: Sat, 09 May 2026 07:36 PM (IST)
concerns-of-petroleum-companies-increase-amid-global-tensions-to-petrol-and-diesel-prices-increase
AI Image
HIGHLIGHTS
  • એક અંદાજ મુજબ પેટ્રોલિયમ કંપનીઓને દરરોજ રૂ. 1 હજાર કરોડનું નુકસાન

Petrol-Diesel Prices: મીડલ-ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતની પબ્લિક સેક્ટરની ઑઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ની હાલત દિન-પ્રતિદિન ખૂબ જ કફોડી થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઈલની સતત વધી રહેલી કિંમતોના કારણે આવી કંપનીઓની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના વેચાણ પર આવી કંપનીઓને તગડું નુકસાન ભોગવવું પડી રહ્યું છે.

વૈશ્વિક ઉથલ-પાથલ અને સપ્લાય ચેન ખોરવાઈ જવાના કારણે ક્રૂડ ઑઈલના ભાવ સતત આસમાને આંબી રહ્યા છે. બીજી તરફ ભારતીય બજારોમાં ભાવ સ્થિર રાખવા માટેના દબાણે કંપનીઓની મુશ્કેલી વધારી દીધી છે. જેના પરિણામે કંપનીઓને દરરોજ લગભગ 1 હજાર કરોડ રૂપિયાનું નુક્સાન ભોગવવું પડતું હોવાનો અંદાજો છે.

ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85 ટકા ક્રૂડ ઑઈલ આયાત કરે છે. આથી વૈશ્વિક સ્તરે તેના ભાવની સીધી અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડે છે. છેલ્લા કેટલાક સમયથી રાજકીય દબાણ અને માંગમાં વધારાના કારણે ક્રૂડ ઑઈલની કિંમતો 'બ્રેક ઈવન' ખર્ચથી પણ વધી ગઈ છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતો વધવા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવે છે. જેના કારણે કંપનીઓને નુકસાન ભોગવવું પડે છે.

શું પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે?

આ બધા વચ્ચે સામાન્ય નાગરિકોના મનમાં એક પ્રશ્ન અચૂક થાય કે, શું આ નુકસાનની ભરપાઈ કરવા પેટ્રોલિયમ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારશે? હકીકતમાં કંપનીઓ લાંબા સમય સુધી આ પ્રકારે નુકસાન સહન નહીં કરી શકે, કારણ કે તેની સીધી અસર કંપનીના ભવિષ્યના રોકાણ અને વિસ્તરણની યોજનાઓ પર પડે છે.

એવામાં એક્સપર્ટનું માનવું છે કે, જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઑઈલની કિંમતો આવી જ રીતે કૂદકેને ભૂસકે વધતી રહી, તો આવનારા સમયમાં પેટ્રોલિયમ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવા અંગે વિચાર કરી શકે છે. આ માટે કંપનીઓ એકદમ ભાવ વધારવાની જગ્યાએ ધીમે-ધીમે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારશે, જેથી જનતા પર એકસાથે મોટો આર્થિક બોજ ના પડે.

રાંધણ ગેસના ભાવ વધારવા માટે પણ દબાણ વધ્યું

માત્ર પેટ્રોલ અને ડીઝલ જ નહીં, પરંતુ રાંધણ ગેસના ભાવ વધારવા માટે પણ સતત દબાણ વધી રહ્યું છે. સરકાર ઉજ્જવલા યોજના થકી સબસિડી આપે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં LPGના વધતા ભાવ કંપનીઓ માટે ખોટનો ધંધો સાબિત થઈ રહ્યા છે. ઘર વપરાશ માટેના ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સ્થિર રાખવામાં આવ્યા છે, પરંતુ સામે વધી રહેલા ખર્ચાના કારણે કંપનીઓને મળતું માર્જિન લગભગ ખતમ થઈ ગયું છે. એવામાં કંપનીઓનું માનવું છે કે, જો આવનારા સમયમાં કોઈ સુધારો નહીં થાય, તો આ નુકસાન તેમની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી શકે છે.