GSEB Class 12 Supplementary Exam 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 માટેની પૂરક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી પરીક્ષામાં એક અથવા વધુ વિષયમાં નાપાસ થયેલા અથવા ગેરહાજર રહેલા ઉમેદવારોને બોર્ડ દ્વારા પોતાનું પરિણામ સુધારવા માટે વધુ એક તક આપવામાં આવી છે.
તાજેતરમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન અને વાણીજ્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ. જેમાં નાપાસ થયેલા કે ઓછા માર્ક્સ આવ્યા હોય, તેવા અનેક વિદ્યાર્થીઓ પોતાના પરિણામમાં સુધારો કરવા ઈચ્છુક છે. આવા વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
પૂરક પરીક્ષા માટે અરજી કરવાની તમામ પ્રોસેસ શાળા મારફતે બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી ઑનલાઈન કરવાની રહેશે. પૂરક પરીક્ષા માટે રજીસ્ટ્રેશન અને ફી ભરવાની કામગીરી આગામી 14 મે સુધી ચાલુ રહેશે. બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રૂબરૂ કે ટપાલ દ્વારા મોકલેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
પરીક્ષા ફીનું માળખું
એક વિષય દીઠ ફી: 180 રૂપિયા
3 કે તેથી વધુ વિષયો માટે (સંપૂર્ણ નિયમિત ફી): 605 રૂપિયા
વિશેષ રાહત: ગુજરાત બોર્ડના નિયમો અનુસાર, મહિલા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારોને આ પરીક્ષા ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. એટલે કે, તેઓએ કોઈપણ પ્રકારની નોંધણી ફી ચૂકવવાની રહેશે નહીં.
ધો.10ની ગુણ ચકાસણી પ્રક્રિયાનો પણ આરંભ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ 6 મેના રોજ જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ ગુણ ચકાસણીની અરજી કરવા માંગતા હોય તેઓ માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આવા વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જઈને આગામી 15 મે સુધીમાં અરજી કરી શકશે. આ માટે નિયત ફી પણ ઑનલાઈન જ ભરવાની રહેશે.
