GSEB Class 12 Supplementary Exam 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહ તેમજ સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદ્દત બે દિવસ માટે લંબાવવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવામાં આવેલી ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ થોડા દિવસ પહેલા જ જાહેર કરવામાં આવ્યું હતુ.
આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયોમાં ગેરહાજર રહ્યા હોય અથવા નાપાસ થયા હોય, તેવા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા 2026ના ઓનલાઇન ફોર્મ ભરવાની મુદતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
આજે ઑનલાઈન અરજી કરવાનો છેલ્લો દિવસ હતો
અગાઉ ઓનલાઇન આવેદન કરવાની અંતિમ તારીખ 14 મે હતી, જેનો આજે છેલ્લો દિવસ હતો. જો કે હવે આ તારીખને બે દિવસ લંબાવીને 15 મે, 2026 સાંજે 5 વાગ્યા સુધીની કરવામાં આવી છે.
આ માટે શાળાઓએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org અથવા hscgenpurakreg.gseb.org પર જઈને ઓનલાઇન રજીસ્ટ્રેશન અને ફી ભરવાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે
આ સાથે જ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આવેદન માત્ર ઓનલાઇન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. જ્યારે ટપાલ દ્વારા મોકલેલી અરજીઓ ગ્રાહ્ય રાખવામાં નહીં આવે.
કોણ-કોણ પૂરક પરીક્ષા આપી શકશે?
જે વિદ્યાર્થીઓ ફેબ્રુઆરી-માર્ચ 2026ની પરીક્ષામાં એક કે તેથી વધુ વિષયોમાં નાપાસ થયા છે અને ગુણપત્રકમાં 'Needs Improvement' ધરાવે છે, તેઓ આ પુરક પરીક્ષા આપી શકશે.
આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ તો થઈ ગયા છે, પરંતુ તેઓ પોતાના પરિણામમાં સુધારો કરવા ઈચ્છે છે. તો આવા વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે
સરકારના નિયમ મુજબ, કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે આવા ઉમેદવારો માટે પણ પૂરક પરીક્ષા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જો શાળા દ્વારા રજીસ્ટ્રેશનમાં કન્યા કે દિવ્યાંગ ઉમેદવારના સીટ નંબર સામે ટીકમાર્ક કરવામાં નહીં આવે, તો તેઓ પરીક્ષામાં બેસી શકશે નહીં.
