Godhra: શારદા મંદિર સ્કૂલના મતદાન મથકમાં ભીષણ આગ, ચૂંટણી સ્ટાફની સતર્કતાથી EVM સુરક્ષિત ખસેડાયા

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, મતદાન પ્રક્રિયાને પણ કોઈ અસર થઈ નથી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 26 Apr 2026 08:50 AM (IST)Updated: Sun, 26 Apr 2026 08:50 AM (IST)
godhra-sharda-mandir-school-polling-station-fire-evm-safe-panchmahal
HIGHLIGHTS
  • ગોધરામાં મતદાન મથકમાં આગ
  • શારદા મંદિર સ્કૂલમાં આગ લાગી
  • ચૂંટણી સ્ટાફે EVM સુરક્ષિત ખસેડ્યા

Panchmahal Fire News: ગોધરાના બામરોલી રોડ પર આવેલી શારદા મંદિર સ્કૂલના મતદાન મથકમાં આજે મતદાન શરૂ થાય તે પૂર્વે જ અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, મતદાન મથકમાં લગાવવામાં આવેલા એર કંડિશનર (AC) માં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ ભભૂકી ઉઠી હોવાનું અનુમાન છે.

ચૂંટણી સ્ટાફે EVM સુરક્ષિત ખસેડ્યા

ગોધરાની શારદા મંદિર સ્કૂલના મતદાન મથકમાં આગ લાગવાના કારણે ઘટનાસ્થળે ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ચૂંટણી સ્ટાફની ભારે સતર્કતા અને સમયસૂચકતાને કારણે EVM મશીનોને તાત્કાલિક સુરક્ષિત રીતે અન્ય સ્થળે ખસેડી લેવાયા હતા, જેથી કોઈ મોટું નુકસાન થયું નથી.

ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો

આગની જાણ થતા જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. બામરોલી રોડ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો હોવાથી ફાયરબ્રિગેડના વાહનને અડચણ ન પડે અને તે ઝડપથી પહોંચી શકે તે માટે પોલીસે પાયલોટિંગ કરીને રસ્તો ક્લિયર કરાવ્યો હતો. ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

સદનસીબે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને મતદાન પ્રક્રિયાને પણ કોઈ અસર થઈ નથી. મહત્ત્વપૂર્ણ છે કે તંત્રની ઝડપી કામગીરીના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.