Fire Incident: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના રાટા પ્લોટ વિસ્તારમા બપોરના સમયે એકાએક ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મદની મસ્જિદ નજીક આવેલા આ ગોડાઉનમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી દેખાતા હતા. જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો.
આ પણ વાંચો
રૂના જથ્થાને કારણે આગનું વિકરાળ સ્વરુપ
મળતી માહિતી મુજબ, રાટા પ્લોટ વિસ્તારમાં આવેલ આ ગોડાઉનમાં ગાદલા બનાવવા માટેનો મોટા પ્રમાણમાં રૂનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો.રુ જ્વલનશીલ પદાર્થ હોવાથી આગે એકાએક રૌદ્ર સ્વરુપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં આગ આખા ગોડાઉનમાં પ્રસરી ગઈ હતી અને જ્વાળાઓ ઉંચી ઉઠવા લાગી હતી. ગોડાઉન રહેણાંક મકાનોની એકદમ નજીક હોવાથી લોકો પોતાના જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા.
ફાયર બ્રિગેડની કામગીરી અને સ્થાનિકોની દોડધામ
ઘટનાની જાણ થતા જ ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. નગરપાલિકાના બે ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોકે, આગની તીવ્રતા વધુ હોવાથી ફાયરના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
આગ લાગતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાંકડી ગલીઓ અને રહેણાંક વિસ્તાર હોવાને કારણે ફાયર ફાઈટરોને પહોંચવામાં પણ મુશ્કેલી પડી હતી. તેમ છતાં જવાનોએ ભારે જહેમત ઉઠાવીને આગને આસપાસના મકાનોમાં પ્રસરતા અટકાવી હતી.
આગનું કારણ હજુ અકબંધ
આ ભીષણ આગમાં ગોડાઉનમાં રાખેલ લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું અનુમાન છે. સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે કે, અન્ય કોઈ કારણોસર, તે અંગેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધા બાદ તપાસ હાથ ધરવામાં આવશે.
સ્થાનિક તંત્ર દ્વારા હાલ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ કાફલાએ પણ ભીડને નિયંત્રિત કરવા માટે મોરચો સંભાળ્યો હતો.
