Godhra Civic Polls: ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. એક અત્યંત ચોંકાવનારી અને હાસ્યાસ્પદ કહી શકાય તેવી ઘટનામાં ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ એટલા માટે રદ કર્યું છે કારણ કે તેમણે 'ભાજપનું મેન્ડેટ' રજૂ કર્યું નથી. વહીવટી તંત્રની આ ગંભીર ક્ષતિ અથવા પક્ષપાતી વલણ સામે કોંગ્રેસે આક્રમક તેવર અપનાવી કાયદાકીય લડતની ચીમકી ઉચ્ચારી છે.
ગત 13 એપ્રિલના રોજ વોર્ડ નંબર 10ના કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર કિરણભાઈ સોલંકીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારના જણાવ્યા અનુસાર, તેમણે ફોર્મ સાથે જરૂરી તમામ દસ્તાવેજો અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું મેન્ડેટ (પક્ષનું બી-ફોર્મ) રજૂ કર્યું હતું.
જો કે ફોર્મ ચકાસણીના અંતે ચૂંટણી અધિકારીએ જે આદેશ જારી કર્યો તેણે સૌને સ્તબ્ધ કરી દીધા છે. આદેશમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, ઉમેદવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું મેન્ડેટ રજૂ ન કર્યું હોવાથી તેમનું ઉમેદવારી પત્ર અમાન્ય ગણવામાં આવે છે.
કોંગ્રેસના ઉમેદવાર પાસેથી ભાજપના મેન્ડેટની અપેક્ષા રાખતા આ હુકમે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે કે, શું આ વહીવટી તંત્રની ટાઈપિંગ મિસ્ટેક છે કે પછી વિરોધ પક્ષને મેદાનમાંથી બહાર રાખવાનું કોઈ સુનિયોજિત કાવતરું? લોકશાહીમાં જ્યારે દરેક પક્ષને સમાન તક મળવી જોઈએ, ત્યારે આ પ્રકારનો હુકમ વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ પર કાળી ટીલી સમાન સાબિત થઈ રહ્યો છે.
આ ઘટનાને પગલે કોંગ્રેસ છાવણીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પક્ષના અગ્રણીઓએ જણાવ્યું છે કે, આ મામલે તુરંત સુધારો કરવામાં આવે, અન્યથા ગુજરાત વિધાનસભામાં આ મુદ્દો ગજવવામાં આવશે. જરૂર પડ્યે કેન્દ્રીય સ્તરે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવશે. હાઈકોર્ટના દ્વાર ખખડાવી ન્યાય મેળવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
