Gandhinagar: ગુજરાતમાં વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ક્રાઇમના નેટવર્કને તોડી પાડવા માટે CID ક્રાઇમની ટીમે 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' અંતર્ગત મોટી સફળતા મેળવી છે.
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે સુરત, ભાવનગર, રાજકોટ અને ઊંઝા ખાતે દરોડા પાડીને કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ રુ. 288 કરોડથી વધુના સાયબર ફ્રોડ નેટવર્ક સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ મહાનિદેશક ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ અને પોલીસ મહાનિરીક્ષક બિપીન આહિરેના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ ઓપરેશનમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. છેલ્લા એક મહિનામાં આ ઓપરેશન દ્વારા કુલ 40 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના દ્વારા અંદાજે 622 કરોડનું ફ્રોડ આચરવામાં આવ્યું હતું. આ ગેંગ વિરુદ્ધ સમગ્ર દેશમાં 1039 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ સામાન્ય લોકો પાસેથી કમિશનની લાલચ આપી તેમના બેંક એકાઉન્ટ મેળવતા હતા. આ ઉપરાંત ખોટી પેઢીઓના નામે પણ મ્યુલ એકાઉન્ટ્સ ખોલાવવામાં આવતા હતા.
સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં આ એકાઉન્ટ્સમાં જમા થતા હતા. જે બાદ તેને રોકડમાં રૂપાંતરિત કરી આંગડિયા મારફતે સગેવગે કરવામાં આવતા હતા. પોલીસની તપાસ દરમિયાન 868 બનાવટી ઇનવોઇસ અને 125 પેઢીઓની વિગતો પણ મળી આવી છે.
સુરત, ભાવનગર, રાજકોટ અને ઊંઝા સહિતના શહેરોમાંથી 8ની ધરપકડ
આ મામલે CID ક્રાઈમે સુરત અને ભાવનગરથી મુકેશ મેર અને ફરદિનખાન પઠાણની ધરપકડ કરી છે. જેમની પાસેથી 4 મોબાઈલ અને 1 લેપટોપ જપ્ત કરાયું છે. NCCRP પોર્ટલ મુજબ આ ગ્રુપ સામે 181 અરજીઓ અને 81 FIR નોંધાયેલી છે, જેમાં 174 કરોડની ઠગાઈનો આંકડો સામે આવ્યો છે.
જ્યારે મહેસાણા જિલ્લાના ઊંઝાથી અક્ષય પટેલ અને દેવેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. જેઓ મલ્ટીપલ એકાઉન્ટ ખોલાવી ફ્રોડના નાણાં ઉપાડવાનું કામ કરતાં હતા. અહીં 114 કરોડથી વધુની ઠગાઈનો મામલો સામે આવ્યો છે.
આવી જ રીતે રાજકોટથી ચેતન અમલાણી, જતિન કક્કડ, કપિલ કોટક અને મહેન્દ્ર કોકિયાને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ચારેય આરોપીઓ 26 સાયબર ફ્રોડની અરજીમાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
