Botad: ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પવિત્ર યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના ચરણોમાં શીશ ઝુકાવીને પોતાના બોટાદ જિલ્લાના પ્રવાસની ભવ્ય શરૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ દાદાના દરબારમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન-અર્ચન કરી ધજા અર્પણ કરી હતી અને રાજ્યની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
દાદાના આશીર્વાદ લીધા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોટાદ જિલ્લામાં ભાજપ દ્વારા આયોજિત 'પ્રબુદ્ધ નાગરિક સંમેલન'માં હાજરી આપી હતી. આ અવસરે તેમણે જિલ્લાના બૌદ્ધિકો અને પ્રબુદ્ધ નાગરિકોને સંબોધતા સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને ભાવિ વિઝન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. જે બાદ તેમણે બોટાદ જિલ્લાની અગ્રણી સંસ્થાઓના આગેવાનો તથા પૂજ્ય સંતો સાથે ગોષ્ઠી કરી સામાજિક અને પ્રાદેશિક ઉત્થાન માટે વિચાર-વિમર્શ કર્યો હતો.
આ કાર્યક્રમમાં સંતો-મહંતોની ગરિમામય હાજરી જોવા મળી હતી. જેમાં સ્વામીશ્રી ડૉ. સંતવલ્લભદાસજી (ચેરમેન, વડતાલ મંદિર), હરિજીવનદાસજી સ્વામી (ચેરમેન, ગઢપુર મંદિર), કોઠારી વિવેકસાગરદાસજી (સાળંગપુર હનુમાનજી મંદિર), શુકદેવ સ્વામી (ગોકુળધામ, નાર)કુંડળ-બોટાદના વગેરે સંતો ઉપસ્થિત રહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પુષ્પહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને રાજ્યના વિકાસ માટે આશીર્વાદ પાઠવ્યા હતા.
